ભુજ ચેમ્બરની રજૂઆતનો સાનુકૂળ પડઘો; દેશના 1.4 કરોડથી વધુ વેપારીને ફાયદો

ભુજ ચેમ્બરની રજૂઆતનો સાનુકૂળ પડઘો; દેશના 1.4 કરોડથી વધુ વેપારીને ફાયદો
ભુજ, તા. 2 : ટ્રેડર્સ, હોલસેલર તથા રિટેઈલર વેપારી વર્ગ એમએસએમઇ એકટ હેઠળ રજિસ્ટ્રેશન મેળવી શકતો નહોતો જેથી આ વર્ગ દેશના નાણામંત્રી  નિર્મલા સીતારામન દ્વારા એમએસએમઇ સેકટરને આપવામાં આવેલા ત્રણ લાખ કરોડના રાહત પેકેજના લાભથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિ ઉદ્દભવતા જે -તે સમયે જ ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશને એમએસએમઇ મંત્રી નીતિનભાઇ ગડકરીને રજૂઆત કરી હતી. આમ રજૂઆતનાં પગલે હવે તેઓનો સમાવેશ થઇ જતાં દેશના એક કરોડ ચાલીસ લાખ વેપારીઓને ફાયદો થશે.કચ્છમાં વેપારીઓએ રજિસ્ટ્રેશનની શરૂઆત કરી દીધી છે. ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલભાઇ ગોરે યાદીમાં જણાવ્યું હતું કે, ભુજ ચેમ્બર દ્વારા આ બાબતે તા. 25-5ના ભારતના એમએસએમઇ મંત્રી શ્રી ગડકરીને રજૂઆત કરી હતી.લગભગ બધી જ ચીજવસ્તુઓના હોલસેલર્સ અને રિટેઈલર વેપારીઓ કે એન્ટરપ્રાઇઝ ધારકો, મધ ઉત્પાદકો, ખેતીવાડી  માટેના સિંચાઇ ઉપકરણોના વેપારીઓ, કોટન જીનિંગના વેપારીઓ, બીજ પ્રસારની સેવાઓ આપતો વેપારી વર્ગ કે જે અગાઉ એમએસએમઇ ડેવલોપમેન્ટ એકટ, 2006 હેઠળ રજિસ્ટ્રેશન મેળવી શકતો હતો. તા. 27-6-2017ના મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇ દ્વારા ઓફિસ મેમોરેન્ડમના માધ્યમથી આ વેપારી વર્ગ હવેથી એમએસએમઇ હેઠળ રજિસ્ટર થઇ શકશે નહીં તેવું ઠરાવવામાં આવ્યું હતું. આથી આ મેમોરેન્ડમને રદ્દ કરીને આ બધા જ વેપારીઓને એમએસએમઇ એક્ટ હેઠળ સમાવિષ્ટ કરવા માટે રજૂઆત કરી હતી તેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પણ રજૂઆતની નકલ મોકલી આ હકીક્તથી અવગત કરવામાં આવ્યા હતા.પરિણામ સ્વરૂપ પીએમઓ ઓફિસ દ્વારા તા. 1-6ના કેબિનેટની બેઠક દરમ્યાન એમએસએમઇની વ્યાખ્યામાં આ વર્ગના વેપારીઓને એમએસએમઇ એકટ હેઠળ સમાવિષ્ટ કરવાના ઉમદા હેતુથી આનુષંગિક ફેરફાર કરી પ્રેસ વિજ્ઞાપન આપી રાજપત્ર પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. શ્રી ગોરે વધુમાં ઉમેર્યું હતું કે, ભુજ ચેમ્બર સિવાય દેશની લગભગ કોઇ જ અન્ય સંસ્થા દ્વારા આ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી અથવા યોગ્ય સત્તાધીશ સમક્ષ મૂકવામાં આવી નથી. આમ ભુજ ચેમ્બરની રજૂઆતના પગલે જે ઘટિત કાર્યવાહી થઇ છે તેનો ફાયદો દેશના 1.4 કરોડથી વધુ વેપારીઓને થશે તેવું હર્ષભેર શ્રી ગોરે યાદીમાં જણાવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer