યશોદાધામના ચકચારી બળાત્કારના કેસમાં અંતે પોલસે આરોપીને પકડી પાડયો

યશોદાધામના ચકચારી બળાત્કારના કેસમાં અંતે પોલસે આરોપીને પકડી પાડયો
ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાના યશોદાધામ ખાતે દોઢ મહિના પૂર્વે ચાર વર્ષની કુમળી વયની બાળકી ઉપર બળાત્કાર ગુજારવાના ચકચારી  બનાવમાં નરાધમ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને આખરે સફળતા મળી છે. બાજુમાં જ રહેતા અને વિકૃત માનસ ધરાવતા શખ્સે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડે  જણાવ્યું હતું કે, હ્યુમન ઈન્ટેલિજન્સથી મળેલી બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરી મૂળ પશ્ચિમ બંગાળના વતની અને  અહીં કંપનીમાં નોકરી કરતા આરોપી ઈસ્માઈલ સાયકુલા લશ્કર (ઉ.વ. 19)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભોગ બનનારી બાળકી જયા રહેતી હતી તે જ વિસ્તારમાં આ શખ્સ રહેતો હતો. એક જ ચાલીમાં રહેતા 70 જેટલા લોકોને રાઉન્ડઅપ કરી વ્યાપક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બાળકી કુમળી વયની હતી. બીજું  બંગાળી ભાષા સિવાય અન્ય કોઈ ભાષા જાણતી ન હતી. જેથી  કોમ્યુનિકેશનમાં થયેલી તકલીફના કારણે સમય લાગ્યો હતો. બાતમીના આધારે આરોપીને રાઉન્ડઅપ કર્યા બાદ પોલીસ ટુકડી દ્વારા બાળકીને સાઈકોલોજીકલી પ્રેરણા આપી હતી.  આખરે તેણીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો અને બંગાળી ભાષામાં વર્ણન કર્યું હતું. પોલીસે દુભાષિયાનો પણ સહયોગ લીધો હતો. આરોપી વિકૃતમાનસિકતા ધરાવતો હતો. તેના મોબાઈલમાંથી  અશ્લીલ ફિલ્મોનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. અશ્લીલ ફિલ્મો જોયા બાદ  અપરિણીત એવા આ શખ્સે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ઘર પાસે રમતી બાળકીને લાલચ આપી બાવળની ઝાડીમાં લઈ જઈ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો.  આ કૃત્ય આચર્યા બાદ તે   ક્યાંય ફરાર થયો ન હતો. આકરી પૂછપરછ દરમ્યાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપી ત્રણ મહિના પૂર્વે અહીં આવ્યો  હતો. આ કેસમાં  ભચાઉ પોલીસ મથકની ટુકડી ઉપરાંત એલ.સી.બી.ની ટુકડી પણ તપાસમાં જોડાઈ હતી. આરોપીનો કોરોનાનો ટેસ્ટ કરાવવાની  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ   આ જ સ્થળે ભચાઉમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રાપરમાં પણ કુમળી વયની બાળકી બળાત્કારનો ભોગ બની હતી. જેમાં  સીઆઈડી ક્રાઈમની ટુકડીએ પણ કચ્છમાં ધામા નાખ્યા હતા. જો કે, આ બન્ને બનાવનો ભેદ હજુ સુધી વણઉકેલ્યો છે. આ કામગીરીમાં એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એમ.એસ. રાણા, ભચાઉના ઈન્ચાર્જ પી.આઈ. આર.જે. સિસોદિયા, ભાવિન બાબરિયા, જનક લકુમ, પ્રવીણ આલ, એલસીબીના રાજેન્દ્ર પરમાર, વિજય ડાંગર વિગેરે જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer