કચ્છભરના બાયોડીઝલ પંપની ચકાસણી થશે

ભુજ, તા. 2 : ગઇકાલે રાત્રે ભુજ તાલુકામાં બાયોડીઝલના નામે ગેરકાયદે વેચાણ થતા પેટ્રોલિયમ પેદાશને પકડી પાડવા વહીવટીતંત્રની ટીમ ઊતરી પડી હતી. પાંચ સ્થળોએ  47 હજાર લિટર ઇંધણનો જથ્થો પકડાયો ત્યારે કચ્છમાં આવા ઠેકઠેકાણે પંપ ચાલી રહ્યા છે તે તમામ સ્થળે ચેકિંગના આદેશ અપાતાં ફફડાટ ફેલાયો છે.કાલે રાત્રે આસિ. કલેક્ટર મનીષ ગુરવાણીના નેતૃત્વ હેઠળની છ ટીમોએ છાપો માર્યો હતો. રૂા. 30 લાખની કિંમતની ગેરકાયદે ભેળસેળયુકત પેટ્રોલિયમ પેદાશ પકડાઇ હતી. જેને પગલે આજે કલેક્ટર પ્રવીણા ડી.કે.એ આખા કચ્છમાં કાર્યવાહીની સૂચના આપતાં બાયોડીઝલના નામે પંપ નાખીને બેઠેલાઓમાં  ફફડાટ ફેલાયો છે. આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, આ તો ગઇકાલે પાંચ જગ્યાએ ચેકિંગ ટીમોને મોકલવામાં આવી તો પાંચ સ્થળે સંચાલકો પાસે કોઇ એકેય પ્રકારના લાયસન્સ મળી આવ્યા નથી. કોઇપણ પેટ્રોલપંપ ચાલુ કરવા માટે 12 પ્રકારના અલગ અલગ લાયસન્સ હોવા જરૂરી છે.  એટલે જો આ પાંચ સ્થળોએ ભેળસેળવાળા જથ્થાનું ખુલ્લેઆમ  વેચાણ ચાલતું હોય તો કચ્છમાં અન્ય સ્થળોએ પણ આવું જ ચાલતું હશે એટલે જિલ્લા પુરવઠા અધિકારીને તાત્કાલિક અસરથી  ચેકિંગ કરવાનું જણાવાયું છે. ગઇકાલે જ્યાં ટીમોએ દરોડો પાડયો ત્યારે  તમામ પાસેથી લાયસન્સ માગવામાં આવ્યા હતા પણ મળી આવ્યા નથી. તમામ સામે  કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યાં છે.પુરવઠા અધિકારી ઉપરાંત જે-તે વિસ્તારના પ્રાંત અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે. પ્રાથમિક રીતે મળેલી જાણકારી પ્રમાણે અબડાસા, માંડવી તાલુકામાં પણ બાયોડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ થઇ રહ્યું છે એ તપાસવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer