કચ્છ યુનિ. સંલગ્ન તમામ કોલેજો 31 જુલાઈ સુધી બંધ રહેશે

ભુજ, તા. 2 : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશ અન્વયે કચ્છ યુનિ. સંલગ્ન તમામ કોલેજો ઉપરાંત અનુસ્નાતક ભવનો તેમજ ઈન્સ્ટિટયૂટને 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.કુલસચિવ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યા અનુસાર તમામ શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપે અને પોતાના મોબાઈલ ફોન, ઈમેઈલ પર ઉપલબ્ધ રહે તે જોવા જણાવાયું છે. હાલે પ્રવેશની કામગીરી ચાલુ હોઈ યુનિ. ખાતે કુલસચિવ અને કોલેજ ખાતે પ્રિન્સિપાલની મંજૂરીથી યોગ્ય જણાય તે કર્મચારીને હાજર રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન વિદ્યાર્થીઓ, વાલીઓ, મુલાકાતીઓની તમામ પ્રકારની મુલાકાતો બંધ રહેશે વધુમાં એડહોક કરાર આધારિત સ્ટાફનો સમયગાળો 31-7 સુધીનો હોય, તો ફરજ પરના સમયગાળા તરીકે ગણવાનો રહેશે. તમામ શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer