પક્ષના સભ્યો સામે ગેરવર્તણૂક ચલાવી નહીં લેવાય

ભુજ, તા. 2 : છેલ્લા ત્રેણક દિવસથી ટોક ઓફ ધી ટાઉન બનેલા ભુજ સુધરાઇના સત્તાપક્ષ-વિપક્ષ અને મુખ્ય અધિકારીના ત્રિપાંખિયા જંગ વચ્ચે આજે ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં નારાજ નગરસેવકોએ પોતાની વાત રજૂ કરતાં જો મુખ્ય અધિકારીની ગેરવર્તણૂક હશે તો તે નહીં ચલાવી લેવાય તેવું સ્પષ્ટ કરાયું હતું. ઉપરાંત સુધરાઇ પ્રમુખે પણ મુખ્ય અધિકારીને નોટિસ પાઠવી કચેરી બંધ રખાઇ હોવાનો ખુલાસો માગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ સ્થિત ભાજપ કાર્યાલયે ધારાસભ્ય નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને અને મહામંત્રીઓ અનિરુદ્ધ દવે, શૈલેન્દ્રાસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સુધરાઇના પદાધિકારીઓ,  નગરસેવકો સાથે વિવિધ મુદ્દા સબબ બેઠક મળી હતી, જેમાં તાજેતરના સળગતા મુદ્દાઓને ઘરનો વિવાદ ઘરમેળે જ પૂર્ણ કરવા પ્રયાસો કરાયા હતા. બેઠકમાં નારાજ નગરસેવકોએ તેમની સાથે થયેલા ગેરવર્તન મુદ્દે રજૂઆત કરી હતી. આ અંગે અનિરુદ્ધભાઇનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, મુખ્ય અધિકારીનું તોછડાઇભર્યું વર્તન હશે તો તે કોઇ કાળે નહીં ચલાવી લેવાય અને સંયમપૂર્વક અને કાયદાની મર્યાદામાં રહી પગલાં ભરાશે. આ મુદ્દે ધારાસભ્ય નીમાબેને મુખ્ય અધિકારી નીતિન બોડાતને બોલાવ્યા હોવાનું ઉમેર્યું હતું. આ ઉપરાંત નીમાબેને માસ્ક-સેનિટાઇઝરનું વિતરણ કર્યું હતું તેમજ પ્રધાનમંત્રીના પત્રનું ઘરોઘર વિતરણ કરી આગામી ચૂંટણીની તૈયારીમાં લાગી જવા ઉપસ્થિતોને જણાવી બેઠક શાંતિપૂર્વક પૂર્ણ થઇ હોવાનું શ્રી દવેએ ઉમેર્યું હતું. નારાજ નગરસેવક દિલીપ હડિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, મોડી સાંજ સુધી માગેલી માહિતી નથી અપાઇ પરંતુ ઉપવાસની મંજૂરી ન મળતાં આવતીકાલે પીઆઇએલ દાખલ કરી લડત ચાલુ રખાશે તેવું ઉમેર્યું હતું.દરમ્યાન સામાન્ય સભાના દિને કર્મચારીઓ હડતાળ પર ઊતરી જતાં ભુજ નગરપાલિકા કચેરીમાં કામગીરી ઠપ થઇ ગઇ હતી તેમજ મુખ્ય અધિકારી પણ ન આવ્યા હોવાથી આ અંગે પ્રમુખ લતાબેન સોલંકી દ્વારા મુખ્ય અધિકારીને નોટિસ પાઠવી ખુલાસો મગાયો છે. આ વર્તણૂકને અક્ષમ્ય ગણાવી પગલાં ભરવા અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું સ્પષ્ટ કહ્યું હતું.  


લ્યો બોલો અગાઉનો ઠપકા ઠરાવ ગુમ : કર્મીઓ સામે તોડાતાં પગલાં ભુજ : સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ મુખ્ય અધિકારી વિરુદ્ધ ઠપકા ઠરાવ કરાયો હતો પણ તે કલેક્ટર સુધી પહોંચવાને બદલે એકાએક ગુમ થઇ જતાં આશ્ચર્ય ફેલાયું હતું. જેથી અગાઉનો અને તાજેતરનો ઠપકા ઠરાવ કલેક્ટર સમક્ષ રજૂ કરાય તેવું જાણવા મળ્યું છે. ઉપરાંત કામ ઠપ કરનારા સુધરાઇના કર્મચારીઓ અને તેમને ઉશ્કેરવામાં ભૂમિકા ભજવનારા સામે પગલાં ભરાય તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer