ગ્રામ્યકક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થપાશે

ભુજ, તા. 2 : ભારત સરકાર દ્વારા સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અન્વયે ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા ઊભી કરવા  જિલ્લામાં અધિક લાભાર્થીઓ પાસેથી અરજીઓ મગાવાઈ છે. આ યોજના અંતર્ગત વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઔદ્યોગિક સાહસ ખેડનારા ગ્રુપ્સ અને સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવાનિવૃત્ત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પગ્રુપ્સ, ફાર્મર, પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઇન્ટ લાયબેલિટી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટિવ સોસાયટીઝ, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ), ઇનપુટ રીટેલ આઉટલેટ, ઇનપુટ રીટેલર્સ અને શાળા-કોલેજોમાં નાણાકીય સહાય આપવા માટેની જોગવાઇ કરાઈ છે. જેમાં જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા કુલ ખર્ચ રૂા. 5 લાખના 75 ટકા લેખે રૂા. 3.75 લાખ લાભાર્થીઓને નાણાકીય સહાય આપવાની જોગવાઇ થયેલી છે. જે ગ્રુપ્સ, સંસ્થા આ બાબતે રસ ધરાવતા હોય તેઓએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર બિલ્ડિંગ, સંસ્કાર નગર, ભુજની કચેરીમાંથી તા. 15-07-2020 સુધીમાં કચેરી કામકાજના સમય, દિવસો દરમ્યાન રૂબરૂ અરજી મેળવી લેવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer