ભુજ, માનકૂવા અને દેશલપર ખાતે હુમલાની ઘટનામાં ચાર જણ જખ્મી

ભુજ, તા. 2 : પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં બનેલી હુમલાની જુદીજુદી ચાર ઘટનામાં એક પરિણીત યુવતી સહિત ચાર વ્યકિત જખ્મી બન્યા હતા. જેમને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. પોલીસ દફતરેથી મળેલી માહિતી અનુસાર ભુજમાં સરપટ નાકાથી પાટવાડી નાકા તરફ જતા માર્ગ ઉપર સી. પોલીસ લાઇન સામેના રોડ ઉપર પોતાની બાઇકથી જઇ રહેલા વસીમ દાઉદ લોઢિયા (ઉ.વ.20)ને અન્ય બાઇક ઉપર આવેલા ત્રણ અજ્ઞાત ઇસમે પાઇપથી ફટકારી માથા અને ખભામાં ઇજા કરી હતી. જયારે ભુજમાં જ આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ સ્થિત એન્કરવાલા ચકરાવા નજીકના ભૂંગાઓના વિસ્તારમાં બજરંગી ચન્દ્રભાન તાનાજીને તેના મિત્ર ભેરૂલાલ પેલાજીએ માથામાં ધોકો ફટકાર્યો હતો. તેમ પોલીસે જણાવ્યું હતું. બીજીબાજુ ભુજ તાલુકામાં માનકૂવા ગામે કાંધાવાળી મોલ વિસ્તારમાં દિનેશ વાલજી પટેલ (ઉ.વ.36)ને અજાણ્યા શખ્સે માથામાં લાકડી ફટકારી હતી. આ અજ્ઞાત વ્યકિત સાથે બોલાચાલી થયા બાદ તે અનુસંધાને આ હુમલો કરાયાનું લખાવાયું હોવાની વિગતો પોલીસે આપી હતી.જયારે ભુજ તાલુકામાં દેશલપર ગામે મફતનગર વિસ્તારમાં નૂરજહાં સલીમ લાંગાય (ઉ.વ. 22)ને તેના પતિ સલીમ ઉમર લાંગાયએ ધોકા વડે માર માર્યો હોવાની ઘટના બહાર આવી છે. પતિ દ્વારા પત્નીને અવારનવાર અપાતા ત્રાસના ભાગરૂપે ગતરાત્રે આ ઘટના બની હોવાનું નૂરજંહાના માતા ભુજના અમીનાબેન ફકીરમામદ સુમરાએ પોલીસ સમક્ષ લખાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer