પત્નીને આત્મહત્યા માટે દુપ્રેરણ કેસમાં ગાંધીધામનો પત્રકાર ઝડપાયો

ભુજ, તા. 2 : પોતાની પત્નીને ત્રાસ આપવા સાથે તેને આત્મહત્યા કરવી પડે તેટલી હદે દુપ્રેરણ કરવા સંબંધી નોંધાયેલા ફોજદારી કેસમાં કચ્છના ગાંધીધામ સંકુલમાં વંદેવિશ્વ નામનું અખબાર કાઢતા મયૂરદાન ચંદુભાઇ લાંગરિયાની સૌરાષ્ટ્રના વીરપુર પોલીસ મથકે ધરપકડ કરી હતી. ત્રાસના કારણે મયૂરદાનની પત્ની વિભૂતિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનો કિસ્સો બન્યા બાદ તેના માવિત્ર પક્ષ દ્વારા મયૂરદાન ઉપરાંત તેના પિતા ચંદુભાઇ, ભાઇ હિરેનદાન અને માતા હંસાબેન સામે આપઘાત માટે દુપ્રેરણ કરી ફરજ પાડવા સબંધી ફોજદારી ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં ગાંધીધામ  ધસી આવેલી વીરપુર પોલીસે મયૂરદાનની ધરપકડ કરી હતી, તેમ સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. આ પ્રકરણમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ મયૂરદાન અને વિભૂતિનાં લગ્ન દશેક વર્ષ પહેલાં થયાં હતાં. આ પછી વિભૂતિને માત્ર એકવાર તેના માવિત્રે જવા દેવાઇ હતી અને તેને પિયર પક્ષના સદસ્યો સાથે વાત પણ કરવા દેવાતી ન હતી. અવાનવાર અપાતો ત્રાસ વધી જતાં તેનાથી ત્રસ્ત બનીને મરનારે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer