કંડલા એસઇઝેડના લીઝ ભાડાંમાં અધધધ 500 ટકાના વધારાથી એકમોમાં નારાજી

ગાંધીધામ, તા. 2 : દેશ માટે વિદેશી હુંડિયામણ રળવા સ્થાપિત અહીના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર (કાસેઝ)માં ઔદ્યોગિક એકમોના લીઝ ભાડાંમાં કરાયેલા અધધધ 500 ટકાના વધારાથી ઉદ્યોગકાર સંગઠને નારાજગી દર્શાવી કાસેઝ પ્રશાસનની કાર્યપદ્ધતિ અંગે દેશના વાણિજય મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. એસઇઝેડ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના અધ્યક્ષ પારસ જૈને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મુંબઇ, નોઇડા, કોલકાતા, ફાલ્ટા વગેરેના એસઇઝેડ કરતાંય કંડલા એસઇઝેડના લીઝ ભાડાં ખૂબ જ વધારે છે. આ વધારો પાછો દર વર્ષે કરી દેવાય છે, જ્યારે જ્યારે લીઝનું રિન્યૂઅલ કે ટ્રાન્સફર થાય ત્યારે ભાવ વધારાતાં આ કાર્યપદ્ધતિ અયોગ્ય અને અન્યાયી છે. મુંબઇ એસઇઝેડમાં 100 રૂા., નોઇડામાં 144 રૂા. કોલકાતામાં 85 રૂા.નો લીઝ ભાડાંનો દર છે ત્યારે કંડલામાં આ દર  232 રૂા. છે. આ ઉપરાંત જે જૂના શેડ છે તેનું લીઝનું ભાડું અધધધ રૂા. 1200 થઇ ગયું છે. આવા જ જૂના શેડનું કોલકાતામાં ભાડું રૂા. 788 છે. લીઝ ભાડાંના દર એસઇઝેડનાં સ્થળ આસપાસના વિસ્તારમાં ચાલતાં ભાડાં વગેરેના આધારે નક્કી થવાં જોઇએ. કંડલા એસઇઝેડ નજીક આવેલા જી.આઇ.ડી.સી.માં લાંબા ગાળાની લીઝનાં ભાડાંના દર 25થી 40 રૂા. પ્રતિ ચોરસ મીટરે છે જ્યારે એસઇઝેડમાં આ દર રૂા. 232 પ્રતિ ચો.મી. નક્કી થયા છે, જે ખૂબ જ અન્યાયી છે. આ ઉપરાંત કંડલા એસઇઝેડમાં લેવાતી વિવિધ લેવીના દર, મલ્ટિપલ લેવી, લીઝ કે મિલકત ટ્રાન્સફર વગેરેમાં પ્રશાસનની કાર્યપદ્ધતિ અંગે પણ અનેક ફરિયાદ ઊઠી છે, એસઇઝેડ ઇન્ડસ્ટ્રીઝ એસો.એ આવા જુદા જુદા આઠ મુદ્દા રજૂ કરીને તેના ઝડપી નિરાકરણની માંગ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer