હજીરા-ઘોઘા ફેરી સેવાનું સંચાલન અદાણીને સોંપાશે

ગાંધીધામ, તા. 2 : દહેજ-ઘોઘા ફેરી સેવા બંધ થયા પછી અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટને હજીરા ખાતે ડ્રેજિંગ અને જેટી બાંધવાની જવાબદારી સોંપાઇ હતી. તેણે રોરો ફેરી સેવાના સંચાલન અર્થે બહાર પાડેલા ટેન્ડરમાં અદાણીએ મેદાન માર્યું છે. ડીપીટીના વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રોરો ફેરી સેવા ત્રણ મહિનામાં શરૂ કરવાની છે, તેનું સંચાલન પ્રથમ 11 મહિના અને પછી જો વધારાય તો બીજા 11 મહિના સંભાળવા ટેન્ડર બહાર પડાયા હતા. અદાણી જૂથે તેમાં 11 મહિનાના 11 રૂપિયા અને 22 મહિનાના 22 રૂા. ભાવ ભર્યા હતા. આજે ટેન્ડરો ખોલાતાં આ ભાવ મંજૂર રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અલબત્ત, વધુમાં વધુ 22 મહિના પછી તેનું સંચાલન ડીપીટી સંભાળી લેશે. હાલના તબક્કે ડીપીટી આ ભાવથી અદાણીને ફેરી સેવાનું ચૂકવણું કરશે. ત્રણ મહિનામાં કામચલાઉ જેટી અને ડ્રેજિંગની કામગીરી ડીપીટીએ પૂર્ણ કરવાની છે. પહેલાં દહેજ-ઘોઘા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નસમી યોજના શરૂ થઇ હતી. પાછળથી તકનિકી કારણે તે બંધ થઇ હતી. હવે તે રોરો ફેરી સેવા હજીરા-ઘોઘા વચ્ચે શરૂ કરવા તમામ તૈયારી આદરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer