કરાચી સ્ટોક એક્સચેન્જમાં આતંકી હુમલો

કરાચી, તા. 29 : વિશ્વમાં આતંકના શરણ તરીકે કુખ્યાત બનેલાં પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જમાં ભારે હથિયારોથી સજ્જ ચાર આતંકવાદીઓએ સોમવારે સવારે હુમલો કરી દીધો હતો. જેમાં ચાર સુરક્ષાગાર્ડ અને એક પોલીસ કર્મચારીએ જીવ ગુમાવી દીધો હતો. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી હતી. હુમલા બાદની કાર્યવાહીમાં ચારેય આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. બીએલએના માજિદ બ્રિગેડે હુમલાને અંજામ આપ્યો હતો. કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ ઉપર આતંકી હુમલામાં ચાર આતંકવાદી પાર્કિંગ એરિયામાં ગોળીબાર શરૂ કર્યો હતો અને મેઈન ગેટ ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળો સાથેના સંઘર્ષમાં બે આતંકી ઠાર થયા હતા. જ્યારે અન્ય બેને ઈજા થતા સ્ટોક એક્સચેન્જની ઈમારતમાં ઘૂસી ગયા હતા. આ બન્ને આતંકીને થોડા સમય બાદ ઢેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ આતંકી ગોળીબારમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં ચાર ગાર્ડ અને એક પોલીસ કર્મચારી સામેલ છે. હુમલાની જાણ થતાં જ કરાચી સ્ટોક એક્સચેન્જની પૂરી ઈમારત ખાલી કરાવી દેવામાં આવી હતી અને આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન  છેડવામાં આવ્યું હતું. સ્થાનિક હેવાલ મુજબ આતંકી ટ્રેડિંગ હોલમાં ઘૂસી શક્યા નહોતા અને વેપાર યથાવત રહ્યો હતો. ગોળીબારના કારણે ઈમારતમાં અફડાતફડી મચી હતી. કરાચી આઈજીએ કહ્યું હતું કે, ચારેય આતંકી ઠાર થયા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. આતંકીઓએ સામાન્ય સમયમાં પોલીસ પહેરે તેવાં કપડાં પહેર્યાં હતાં. પાક. સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર આબિદ અલી હબીબના કહેવા પ્રમાણે આતંકીઓ રેલવે ગ્રાઉન્ડથી પાર્કિંગ ક્ષેત્રમાં પહોંચ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં હુમલો મોટી વાત છે. કારણ કે તેને પાકિસ્તાનની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. ઘટના નજરે જોનારા લોકોના કહેવા પ્રમાણે આતંકવાદીઓ કારમાં આવ્યા હતા. આ માહિતીને ધ્યાને લઈને કારના માલિકની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસના ધમધમાટ વચ્ચે બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી હતી. આ આતંકી સંગઠન 2000ની સાલમાં પાકિસ્તાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરીને ચર્ચામાં આવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer