ઈંધણ ભાવવધારા સામે કોંગ્રેસ રસ્તા પર

આનંદ કે. વ્યાસ તરફથી નવી દિલ્હી, તા. 29 : પેટ્રોલ, ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસના પાંચ દિવસીય દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના પ્રારંભ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કરતાં ઈંધણ ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. કોંગ્રેસે આક્રમકતા વધારવાની ચેતવણી પણ આપી છે. પક્ષના અનેક સાંસદો, ધારાસભ્યો નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું. પક્ષના `સ્પીકઅપ' અભિયાનના ભાગરૂપે એક વીડિયો સંદેશથી અપીલ કરતાં સોનિયા ગાંધીએ કોરોના સંકટથી દેશના સમાન્યજન પહેલાંથી આર્થિક ભીંસમાં છે, ત્યારે વેરા પર કાપ મૂકીને જનતા પરનું ભારણ ઘટાડવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ત્રણ મહિનામાં 22 વખત ભાવ વધારનારી કેન્દ્ર સરકાર લોકોની સમસ્યાઓ પ્રત્યે `સંવેદનહીન' છે. વિશ્વભરમાં ક્રૂડ તેલની કિંમતો ઘટી છે છતાં, 2014થી અત્યાર સુધીમાં મોદી સરકારે ઈંધણ ભાવ વધારતાં રહીને 18 લાખ કરોડ રૂપિયા બળજબરીથી વસૂલી લીધા છે તેવા પ્રહારો કોંગ્રેસ પ્રમુખે કર્યા હતા. કોંગ્રેસ કાર્યકરોએ પાંચ દિવસ ચાલનારાં પ્રદર્શનમાં બળદગાડાં, સાઈકલ જેવા ઈંધણની જરૂર નથી તેવા વાહનોની સવારી કરીને ઈંધણ ભાવવધારા સામે દેખાવો કર્યા હતા. કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, ઈંધણના ગેરવાજબી ભાવના વિરોધમાં તેઓ કોંગ્રેસનાં રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનનાં ભાગરૂપે સાઈકલ લઈને સંસદ ગયા હતા. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આજે ફરી એકવાર સરકાર ઉપર ઈંધણ મામલે હુમલો બોલાવતા દેશની જનતાને આ અભિયાનમાં જોડવા હાકલ કરી હતી. રાહુલ ગાંધીએ એક વીડિયો પણ જારી કર્યો હતો. જેમાં એક વ્યક્તિ એવું બોલતી સંભળાય છે કે સરકાર લોકોનાં જખમ ઉપર મીઠું ભભરાવી રહી છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, એકબાજુ કોરોના વાયરસ અને બીજીબાજુ ચીન સાથે તનાવ વચ્ચે સરકારે જનતાને તેના હાલ ઉપર છોડી દીધી છે. તેમને પૂરા વેતન મળતા નથી ત્યારે ઈંધણમાં લૂંટ ચાલી રહી છે. જનતા નિ:સહાય છે. કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ પણ પોતાના નિવાસેથી મિન્સ્ક સ્ક્વેર સુધી કાર્યકરો સાથે સાઈકલ સવારી કરી હતી. તો દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકરોને અટકાયત થઈ હતી. અમદાવાદમાં પણ કોંગ્રેસના કાર્યકરોને અટકમાં લેવાયા હતા. મહારાષ્ટ્રમાં પૂણેમાં રાજ્યકક્ષાના મંત્રી બાલાસાહેબ થોરાટ સહિતના કોંગ્રેસનાં નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. પટણામાં પણ ઘોડા, બળદગાડા અને સાઇકલ લઈને જોરદાર વિરોધ થયો હતો. ઓરિસ્સામાં પણ આવી જ રીતે કોંગ્રેસે વિરોધી દેખાવો યોજ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer