ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય ફિક્સિંગ કૌભાંડનો પર્દાફાશ

નવી દિલ્હી, તા. 29 : ઓસ્ટ્રેલિયાની પોલીસે ઇન્ટરનેશનલ મેચોમાં ફિક્સિંગનું રેકેટ ચલાવતા ગ્રુપની ઓળખ શોધી કાઢી છે. જેનો વડો ભારતીય છે. રવિન્દર દાંડીવાલને વિક્ટોરિયા પોલીસે આ રેકેટનો મુખ્ય આરોપી બતાવ્યો છે. આ શખ્સ મોહાલીનો રહેવાસી છે. જે ઘણાં વર્ષોથી બીસીસીઆઇની નજરમાં પણ છે. રવિન્દર દાંડીવાલ ઇન્ટરનેશનલ ટેનિસમાં ઓછા ક્રમાંકવાળા ખેલાડીઓ પર મેચમાં સટ્ટો લગાવ્યા બાદ તેમને (ખેલાડીઓ) મેચ છોડવાનું કહે છે. આ મામલે બીસીસીઆઇના એન્ટી કરપ્શન યુનિટના વડા અજીત સિંઘે જણાવ્યું કે દાંડીવાલ મોહાલીનો રહેવાસી છે. તે મધ્ય એશિયામાં ખૂબ સક્રિય છે. તેનું નામ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં પણ સામેલ છે. તેણે એકવાર હરિયાણામાં એક લીગ આયોજિત કરી હતી ત્યારે બીસીસીઆઇએ તાકીદ કરી હતી કે અમારી સાથે સંકળાયેલા કોઇ ખેલાડી આ લીગમાં ભાગ ન લે. આ શખસ બીસીસીઆઇના રડારમાં છે. ઓસ્ટ્રેલિયાની પોલીસે હજુ તેના પર કોઇ આરોપ નક્કી કર્યા નથી. રિપોર્ટ અનુસાર ભારતીય મૂળના બે શખસ રાજેશ કુમાર અને હરસિમરત સિંઘ જે મેલબોર્નમાં રહે છે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. બન્ને પર આરોપ છે કે તેમણે ફિક્સિંગ કરીને 3 લાખ 30 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર ગેરકાનૂની રીતે જીત્યા છે. બન્ને પર 2018માં રમાયેલા બે ટેનિસ સ્પર્ધામાં ફિક્સિંગ કર્યાનો આરોપ છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer