સેવાકાર્યમાં હંમેશાં તત્પર રહેતા લેવા પટેલ સમાજના મોભીનું સન્માન

સેવાકાર્યમાં હંમેશાં તત્પર રહેતા  લેવા પટેલ સમાજના મોભીનું સન્માન
ભુજ, તા. 29 : અબોલ જીવોની સેવા હોય કે લોકસેવાનાં કાર્યોમાં સહયોગ માટે હરહંમેશ અગ્રેસર રહેતા લક્ષ્મણભાઇ રાઘવાણીનું આષાઢી બીજે સન્માન કરાયું હતું. કચ્છી નવા વર્ષના અનુસંધાને કચ્છ માટે સતત ચિંતિત એવા સમાજરત્ન, લેવા પટેલ સમાજના મોભી, નર્મદા યોજના દ્વારા કચ્છને પાણી સરળતાથી કેવી રીતે મળી શકે, પાણી વગર કચ્છની બેહાલી અને પૂરતું પાણી મળે તે માટે સર્વગ્રાહી, અભ્યાસપૂર્ણ રજૂઆત સતત સક્રિયતાથી કરતા રહેતા લક્ષ્મણભાઇ રાઘવાણી વિદેશમાં વસતા હોવા છતાં કચ્છના કોઇ પણ સેવાકાર્ય માટે હંમેશાં તત્પર રહે છે. લોકડાઉન દરમ્યાન માલધારી સમાજ તેમજ કચ્છના પશુધન માટે ચિંતા સેવી દરરોજ લીલો ચારો નીરવો, સાથેસાથે વરસાદની આવથી તળાવ, ચેકડેમ વિ.માં પાણીના અવરોધને દૂર કરવા, તળાવ ઊંડાં કરવાથી લઇને વોટર રિચાર્જિંગ, લેવા પટેલ સમાજ કન્યા કેળવણી માટે પણ મહત્તમ નાણાકીય જોગવાઇ કરવા સાથે દરેક ઘરમાં પણ વરસાદી પાણી સંગ્રહનો આગ્રહ રાખી 91 વર્ષની જૈફ વયે પણ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી કાર્ય કરનારા લક્ષ્મણબાપાનું આષાઢી બીજે શુભકામના સાથે સન્માન રા. સ્વ. સંઘ-કચ્છના વિભાગ સંઘચાલક નવીન વ્યાસના હસ્તે એકાત્મ માનવદર્શન, મા. દીનદયાળજીના વિચારોના સંકલનરૂપ પુસ્તકથી કરી દીર્ઘ આયુષ્યની કામના કરાઇ હતી. આ અવસરે પરબત ગોરસિયા, રા. સ્વ. સંઘ-કચ્છ વિભાગ, ગૌસેવા પ્રમુખ, કચ્છ કલ્યાણ સંઘ-ભુજના મંત્રી ડો. મેહુલ શાહ તથા બેન્ક ઓફ ઇન્ડિયા-બળદિયાના જગદીશ ઉપાધ્યાયે ઉપસ્થિત રહી સેવાકાર્યોને બિરદાવ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer