અબડાસાના માલધારીઓને રૂા. 300 માવાના બદલે હવે માત્ર રૂા. 30માં દૂધ વેચવું પડે છે

રાયધણજર (તા. અબડાસા), તા. 29 : લોકડાઉનની શરૂઆતથી માંડીને આજ સુધીના સમયગાળા દરમિયાન અબડાસા, લખપત, નખત્રાણા અને બન્ની વિસ્તારમાં પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માલધારી અને પશુપાલકોની આર્થિક હાલત કફોડી બની છે. મળતી વિગતો મુજબ આ વિસ્તારમાં રાજસ્થાની તેમજ સ્થાનિક રહેતા રબારી, જત તેમજ અન્ય કેટલાક વર્ગના લોકો પોતાના પશુનાં દૂધમાંથી માવો બનાવીને વેચવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરંતુ હાલના સમયમાં યોગ્ય સુવિધાઓ, ટ્રાન્સપોર્ટ તેમજ ઉત્પાદન અને માંગ વચ્ચે અસમતુલા થવાથી માવાની માંગ ઘટતાં માલધારીવર્ગને દૂધમાંથી માવો બનાવવાના બદલે ડેરીમાં જમા કરાવવા માટેની ફરજ પડી છે . જ્યાં તેમને દૂધના ફેટ પ્રમાણે પ્રતિ લિટરે માત્ર 30 રૂપિયાની આસપાસ ભાવ મળી રહ્યા છે. સામાન્ય રીતે 5 લિટર દૂધમાંથી 1 કિલો માવો બનતો હોય છે. જે નખત્રાણામાં છૂટક 250થી 300 રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવતો હતો. નખત્રાણામાં છેલ્લા 40 વર્ષથી દૂધના માવાની ખરીદી અને વેચાણ કરતા અનિલભાઈ રાજગોર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અબડાસા, લખપત, નખત્રાણા તેમજ બન્ની વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી તેમની પાસે દૈનિક રીતે 800 કિલો જેટલો માવો આવતો હતો. જે માવો તેઓ સ્થાનિકે તેમજ ભુજ, અમદાવાદ, વડોદરા સુધી મોકલાવતા હતા. પરંતુ હાલના સમયમાં દૈનિક માત્ર 60 કિલો જેટલો માવો જ તેમની પાસે વેચાણ માટે આવી રહ્યો છે. જેથી બહાર મોકલવાનું તો ઠીક, સ્થાનિકે પણ માંડ માંડ પૂરો થઈ રહ્યો છે. જો કે, હાલના સમયમાં મીઠાઈ બનાવતા વેપારીઓ પાસેથી પણ એટલી બધી માંગ ન હોવાથી માવાની ખરીદ અને વેચાણની પ્રક્રિયા એકદમ મંદ પડી ગઈ છે. પશુઓ માટેનો લીલો કે સૂકો ઘાસચારો, ભૂસો, દાણ, ખોળના ભાવ આસમાને છે. ત્યારે માવાના પ્રતિ કિલો માત્ર 250 કે 300 રૂપિયા, જ્યારે દૂધ માત્ર 30 રૂપિયાની આજુબાજુ વેચવાની ફરજ પડતાં માલધારી વધુ કફોડી હાલતમાં મુકાયા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer