કિડાણાની ગૌચર જમીન શાળા બાંધકામ અર્થે ફાળવાતાં ગ્રામજનોનો ભારે વિરોધ

કિડાણાની ગૌચર જમીન શાળા બાંધકામ  અર્થે ફાળવાતાં ગ્રામજનોનો ભારે વિરોધ
ગાંધીધામ, તા. 29 : તાલુકાના કિડાણા ગામમાં આવેલી મૂંગા પશુઓ માટેની ગૌચર જમીન માધ્યમિક શાળા બનાવવા માટે આપી દેવાતાં ગામલોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આ હુકમ રદ કરવા માંગ કરવામાં આવી હતી. કિડાણા ગામમાં 5000 જેટલા પશુ આવેલા છે. નિયમ મુજબ 100 પશુઓ માટે 40 એકર જેટલી ગૌચર જમીન  જરૂરી  ગણાય છે તે મુજબ 5000ના હિસાબે આ ગામમાં 2000 એકર જમીન ગૌચર હોવી જોઇએ પરંતુ કિડાણામાં રેકર્ડ ઉપર માત્ર 400 એકર જમીન ગૌચર નીમ થયેલી છે. આ ગૌચર જમીન નકશામાં બેઠેલી ન હોવાથી મીઠું પકવવા માટે લીઝ?ઉપર આપી દેવામાં આવી છે. માધ્યમિક શાળા માટે મંજૂર કરેલી જમીન ગામથી 1.5 કિ.મી. દૂર સીમતળમાં આવેલી છે અને આ જમીન સુધી પહોંચવા માટે નદીમાંથી જવું પડે તેમ છે. માટે આ જમીન માધ્યમિક શાળા માટે યોગ્ય નથી. ગૌચર જમીન સરકારે જ મીઠા ઉત્પાદન માટે લીઝ ઉપર આપી દીધી છે જે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. મૂંગા પશુઓથી અન્યાય કરાયો છે. જ્યારે શાળા માટે અપાયેલી ગૌચરની જમીન ઉપર 200 જેટલા વૃક્ષો છે. જમીનને ફરતે થાંભલા ઊભા કરી તાર બાંધવામાં આવેલા છે પરંતુ ગત તા. 24-1-2018ના ગાંધીધામ સર્કલ ઓફિસર દ્વારા ખોટું પંચનામું કરી સ્થાનિક જગ્યાને ખુલ્લી જગ્યા બતાવવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સરકારે હજારો એકર જમીન કંડલા પોર્ટ ટ્રસ્ટને 1951માં આપી દીધી છે જેમાં આજદિન સુધી કોઇ?જ વિકાસકામ તંત્રે કર્યું નથી ત્યારે ડી.પી.ટી. પાસેથી આ જમીન પરત મેળવી તેમાં માધ્યમિક શાળા બનાવી શકાય તેમ છે. વરસોથી પશુઓ માટે ઉપયોગમાં લેવાતી જમીન છીનવી લેવાની સરકારની આ નીતિ લોકહિત વિરુદ્ધની અને અન્યાયી છે. માટે આ હુકમ રદ કરવાની માંગ સાથે 55 જેટલા ગામલોકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer