દીનદયાળ બંદરે ઊડતી માટીથી કામદારોની હાલત થાય છે કફોડી

દીનદયાળ બંદરે ઊડતી માટીથી  કામદારોની હાલત થાય છે કફોડી
ગાંધીધામ, તા. 29 : દીનદયાળ મહાબંદરે આવેલાં એક ગોડાઉનમાંથી ઉપાડાતા માટી જેવા માલને લઈને ચારે તરફ ધૂળ ઊડવાથી કામદારોની હાલત ખૂબ કફોડી થતી હોવાની ફરિયાદ કુશળ-અકુશળ બિનસંગઠિત કામદાર સંગઠને પ્રશાસન સમક્ષ કરતાં ઉકેલની ખાતરી અપાઈ છે. સંગઠનની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે જેટી નં. 1 તથા ફ્લોટિલા જેટી નં. 1ની સામે આવેલાં ગોડાઉનમાં માટી જેવું કેમિકલ આયાત થયા બાદ સંગ્રહિત હોય છે. આ કેમિકલ કે માટી પુન: ટ્રકોમાં ભરીને બહાર કઢાય છે. ગોડાઉનમાંથી આ માટી પવનને કારણે સતત ઊડતી રહેતાં ફ્લોટિલા જેટી ઉપર રજ જમા થાય છે. અહીં કાર્યરત કામદારોની આંખોમાં ધૂળ જવાથી મુશ્કેલી સર્જાય છે. ઉપરાંત તેમના ટિફિનમાં પણ ધૂળ જતી રહે છે. કામદારોના આરોગ્ય ઉપર સર્જાતા આ જોખમ તરફ કોઈ ધ્યાન ન અપાતું હોવાનું જણાવીને સંગઠનના મહામંત્રી વેલજીભાઈ જાટે પ્રશાસનના જવાબદારોનો ટેલિફોનિક સંપર્ક કરતાં ફ્લોટિલા સુપરિન્ટેન્ડેન્ટ તથા હાર્બર માસ્ટરે યોગ્ય કરવા ખાતરી આપી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer