કોરોનાના કારણે ચાલુ વર્ષે જાણ- સુજાણ કચ્છી પરીક્ષાઓ મોકૂફ

મોરઝર (તા. નખત્રાણા), તા. 29 : કચ્છ પ્રદેશની આગવી ઓળખ સમી મા-બોલી કચ્છી ભાષાના સંવર્ધન-પ્રચાર-પ્રસાર અર્થે નારાયણ જોશી `કારાયલ' સંસ્થાપિત શ્રી કચ્છી સાહિત્ય કલા સંઘ દ્વારા કચ્છી ભાષાની જાણ-સુજાણ પરીક્ષાઓ બે દાયકાથી લેવાય છે, પરંતુ તાજેતરમાં કોરોનાના કારણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. કલાસંઘ ઉપપ્રમુખ અને પરીક્ષામંત્રી વિશ્રામ ગઢવી (મોટા લાયજા)એ જણાવ્યું કે, ગત સાલે (2019-20) વી.આર.ટી.આઈ. માંડવીના સહયોગથી જાણ-સુજાણ પરીક્ષાઓનો વીસમો પ્રયોગ બહુ જ સફળતાપૂર્વક સંપન્ન થયો. જેમાં કચ્છ અને મુંબઈ સહિત 167 કેન્દ્રો પર 5158 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા હતા. તમામ કેન્દ્રો પર ઉત્તીર્ણ પરીક્ષાર્થીઓના પ્રમાણપત્રો પહોંચાડી દીધા છે. જો કોઈ કેન્દ્રને પ્રમાણપત્ર ન મળ્યા હોય તો પરીક્ષા સહમંત્રીઓ રામજી જોશી (98254 90642) અને સૌરભ છાડવા (99796 15605) અથવા જે-તે વિસ્તારના પ્રચારકનો સંપર્ક કરવો. કલાસંઘના પ્રમુખ દિલીપરાજા કાપડીના જણાવ્યા મુજબ સંખ્યાની દૃષ્ટિએ પ્રથમ પાંચ મોટા કેન્દ્રોને શિલ્ડ આપી આગામી સમયમાં સન્માનિત કરાશે. વર્તમાને કોરોના મહામારીની પરિસ્થિતિના કારણે વર્ષ 2020-21 માટે કચ્છી પરીક્ષા પ્રયોગ મુલતવી રાખવાનો નિર્ણય પરીક્ષા સમિતિએ કરેલો છે. પરીક્ષા પ્રવૃત્તિમાં સહભાગી અને સહયોગી તમામ સંસ્થાઓ-પ્રચારકો-કેન્દ્ર સંચાલકોનો કલાસંઘ વતી આભાર પ્રગટ કરવામાં આવે છે તેવું કાર્યાલય મંત્રી પાર્થ કાપડીએ ક.સા. કલાસંઘની યાદીમાં જણાવાયું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer