પૂર્વ કચ્છમાં મજૂરોને પાછા લાવવાની સમસ્યા

ગાંધીધામ, તા. 29 : કોરોના મહામારીને લઈને સંક્રમણ અટકાવવા ભારતને 45 દિવસ લોકડાઉન કરાયું એ અરસામાં પોતાનું વતન છોડીને અન્ય રાજ્યોમાં કામ કરતા શ્રમિકો ધીરજ ગુમાવતાં લોકડાઉન ખૂલવાના થોડા દિવસ પહેલાં જ મોટા પાયે શ્રમિકોની વતનવાપસી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવીને કરાઈ પણ હવે પૂર્વ કચ્છમાં સ્થિતિ ગંભીર બની છે. શ્રમિકોને પાછા લાવવામાં મુશ્કેલી શરૂ થતાં અનેક ઉદ્યોગો આર્થિક ભીંસમાં મુકાયા છે. ઉદ્યોગ જગતના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઘણા દૂરના રાજ્યોમાંથી સીધી ટ્રેન સેવા નથી. આ સ્થળો એટલાં દૂર છે કે બસ મારફતે પણ શ્રમિકોને પરત લાવવા મુશ્કેલ છે. આવા સંજોગોમાં ઉદ્યોગકારો મુંઝાઈ ગયા છે અને આર્થિક ફટકો સહન કરી રહ્યા છે. એશિયામાં જેનું નામ છે તેવા પૂર્વ કચ્છના ટિમ્બર ઉદ્યોગને શ્રમિકોની ખેંચ સૌથી વધુ ભોગવવી પડી રહી છે. આ ઉદ્યોગમાં મોટા ભાગના મજૂરો પૂર્વોત્તર એટલે કે, આસામ જેવાં રાજ્યોમાંથી આવતા હોય છે. આ મજૂરોને જો પરત લાવવા હોય તો સીધી ટ્રેનની સુવિધા નથી. આ કારણે મજૂરો આસાનીથી અહીં પહોંચે તેમ નથી. ટિમ્બર ક્ષેત્રે મજૂરીનો ભાવ રૂા. 150 પ્રતિ ટન હતો જે અત્યારે રૂા. 250 પ્રતિ ટન થયો છે, પરંતુ તેમ છતાંય મજૂરો ઉપલબ્ધ નથી. ટ્રેઈલર-ટ્રકના પરિવહન અર્થે ચાલકો પણ નથી. પરિણામે ટિમ્બરની હેરફેર ઘોંચમાં પડી છે. નમક ઉદ્યોગે તો રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશથી બસ મારફતે શ્રમિકોને પરત બોલાવવા વ્યવસ્થા ગોઠવી છે અને ઘણે અંશે સફળતા પણ મળી છે, પરંતુ શ્રમિકોની વતનવાપસી અને હવે પરત લાવવાની આખી પ્રક્રિયાએ ઉદ્યોગ ઉપર ભારે આર્થિક બોજો ઊભો કર્યો છે. નામ ન આપવાની શરતે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનોના જણાવ્યા પ્રમાણે શ્રમિકોને વતન મોકલતી વખતે એક તરફ શ્રમિકોની વિવિધ માગણી સંતોષવી પડી હતી તો બીજી તરફ સરકારના આગ્રહથી `આરોગ્ય સેતુ' એપ ફરજિયાત હોવાથી તમામને ફરજિયાત સ્માર્ટ ફોન આપવા પડયા હતા. હવે આ શ્રમિકોને પરત લાવવામાં પણ વિવિધ માગણીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ટ્રાન્સપોર્ટરોના ટ્રક, ટ્રેઈલર, ટેન્કર વગેરે ગાડીઓ ચલાવવા ચાલકોની ખેંચ વર્તાઈ રહી છે. આ સંજોગોમાં માલની હેરફેર મોંઘી તો છે જ પણ સમયસર ન થઈ શકતાં ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોરોના સંક્રમણ વધતું હોવા છતાં હવે અનલોક-2 ભણી રાષ્ટ્ર જઈ રહ્યું છે, ત્યારે જો શ્રમિકોની વતનવાપસી પુન: કામ વાપસી તરફ નહીં જાય તો પૂર્વ કચ્છનાં ઉદ્યોગોની આર્થિક કમર ભાંગી જશે અને શ્રમિકો વિના ઉત્પાદન ફરજિયાત રોકવું પડે તેવી નોબત આવશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer