ભુજ વાણિયાવાડની નવતર મોલ બજારને ભારે આવકાર

ભુજ, તા. 29 : શહેરના હૃદયસમા વાણિયાવાડ વિસ્તારની નાની-મોટી 85 જેટલી દુકાનના વેપારીઓએ સાથે મળીને કચ્છના ગ્રાહક રાજાઓ માટે શરૂ કરેલી નવતર યોજનાને ભારે આવકાર મળી રહ્યો છે. કચ્છની બજારો માટે અનુકરણીય એવી આ યોજના અંગે વાણિયાવાડ વેપારી એસો.ના પ્રતિનિધિએ આ યોજના પર પ્રકાશ પાડયો હતો કે કચ્છ હવે ધીમેધીમે કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યું છે. કોરોનાથી ડરવાને બદલે હવે તેની સામે લડવાનો સમય આવી ગયો છે. માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સને સાથે રાખી ધંધા-રોજગાર અગાઉ જેવા ધમધમતા થાય એ હવે ખાસ જરૂરી છે. વેપારીઓએ સ્વનિર્ભર થવાનો સમય આવી ગયો છે. ઓનલાઇન તથા મોલ કલ્ચર સામે કચ્છના વેપારીઓ એકજૂટ થઇ અને પોતાની દુકાનોમાં નવતર પ્રયોગ હાથ ધરે તો હજી પણ ગ્રાહકોની પ્રથમ પસંદગી નાની દુકાનો અને શોરૂમની જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સ્કીમ અંતર્ગત માર્કેટની 85 જેટલી દુકાનોમાંથી ગ્રાહકોને રૂા. 1000ની ખરીદી ઉપર એક ગિફ્ટ કૂપન મળશે. આ ગિફ્ટ કૂપનમાંથી લક્કી ડ્રો દ્વારા વિજેતાને એક્ટિવા, ફ્રીઝ, વોશિંગ મશીન, ગિયરવાળી સાઇકલ, મોબાઇલ ઉપરાંત 50 જેટલા ઇનામો અપાશે. એક વેપારીએ જણાવ્યું હતું કે, આ સ્કીમ જો કોઇ વેપારી અંગત રીતે બહાર પાડે તો દોઢથી બે લાખ જેટલો ખર્ચ આવી શકે છે, પરંતુ વેપારી મિત્રો સાથે મળી નજીવા દરે પોતાના ગ્રાહકોને મોટો ફાયદો આપી શકે છે. કચ્છમિત્ર સહયોગીની ભૂમિકા ભજવે છે. આ યોજના 1-7થી 10-8 સુધી વાણિયાવાડની 85 જેટલી દુકાનોમાંથી અમલી બનશે, 13-8ના ડ્રો કરવામાં આવશે. આ અંતર્ગત બકરી ઇદ, રક્ષાબંધન અને જન્માષ્ટમી તથા પર્યુષણ જેવા તહેવારોમાં ગ્રાહકોને ફાયદો મળી રહેશે. આ માર્કેટમાં રેડીમેડ ચિલ્ડ્રન્સ વેર, લેડીઝ વેર, જેન્ટસ વેર, સાડી, શૂટિંગ, શર્ટિંગ, હેન્ડીક્રાફ્ટ, ફૂટવેર, વાસણ, હોમ ફર્નિશિંગ, ચશ્મા, ઘડિયાળ, ઇમિટેશન વગેરેની દુકાનો આવેલી છે જેમાં ગ્રાહકોની ગિર્દી જામે છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer