મેઘપર (બો.) પાસે વાડીમાં ચાલતા જુગારધામનો કરાયો પર્દાફાશ

ગાંધીધામ, તા. 29 : અંજાર-ગળપાદર ધોરીમાર્ગ નજીક મેઘપર બોરીચી પાસે આવેલી એક વાડીમાં છાપો મારી પોલીસે જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. આ વાડીમાંથી 6 ખેલીઓની ધરપકડ કરી રોકડા રૂા. 1,12,470 જપ્ત કરવામાં આવ્યા હતા. મેઘપર બોરીચી નજીક અંજાર-ગળપાદર ધોરીમાર્ગ ઉપર જસદીપ કા ધાબા પાસેની એક વાડીમાં આજે બપોરે પોલીસે દરોડો પાડયો હતો. આ વાડીનો સંચાલક ગાંધીધામનો ગિરીશ રતિલાલ ઠક્કર (દાલાણી) નામનો શખ્સ બહારથી ખેલીઓ બોલાવી પોતાની વાડીમાં આવેલી ઓરડીમાં તેમને જુગાર રમાડી તેમની પાસેથી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વબાતમી પોલીસને મળી હતી. પોલીસે અહીં છાપો મારી વાડીના સંચાલક ગિરીશ રતિલાલ ઠક્કર (રહે. ઓસ્લો સોસાયટી ગાંધીધામ), ત્રિકમ રવા ઢીલા (આહીર) (રહે. વોર્ડ 2-બી, આદિપુર), રાજેશ નટવરલાલ સોની (રહે. સાંઈનાથ એપાર્ટમેન્ટ, આદિપુર), મહેન્દ્ર મોહનલાલ ઠક્કર (રહે. શિણાય ફોર્ટ સોસાયટી), બંસીધર વિરમદાસ રામાનંદી (સાધુ) (રહે. સુભાષનગર, ગાંધીધામ) અને કિરીટસિંહ ભીખુભા ઝાલા (રહે. ગુરુકૃપા એપાર્ટમેન્ટ, વોર્ડ 2-બી, આદિપુર) નામના શખ્સોની ધરપકડ કરી હતી. જુગારધામ ઉપર એકઠા થઈ આ શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવતા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 1,12,470 તથા મોબાઈલ ફોન નંગ-બે એમ કુલ રૂા. 1,13,470નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આવડા મોટા જુગારધામની કાર્યવાહી દરમ્યાન વધુ મોબાઈલ કે કોઈ વાહન ન પકડાતાં લોકો માટે ચર્ચાનો વિષય બન્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer