ભ્રષ્ટાચાર-આગ ભુજ સુધરાઇની સામાન્ય સભાને દઝાડશે ?

ભુજ, તા. 29 : શહેર સુધરાઇની કારોબારી બેઠક તો ન મળી પરંતુ ચોક્કસ મુદ્દા સાથે આવતીકાલ તા.30/6ના સવારે 11.30 વાગ્યે યોજાનારી સામાન્ય સભા ગરમાય તેવી પૂરી શક્યતા વ્યકત થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાકી રહેતા કામોની સાથોસાથ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર અને વિવાદિત મુદ્દાને પગલે વિપક્ષે તો તૈયારી આદરી જ છે પરંતુ સત્તાપક્ષના નારાજ નગરસેવકો પણ આજે અધિકારી-પદાધિકારીને આડે હાથ લે તેવી સંભાવના છે. ભુજ સુધરાઇના શાસકો હવે લેખેલા મહિના જ હોદ્દા પર છે ત્યારે ચોક્કસ બાબતમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાના ચોમેરથી ઊઠતા આક્ષેપો વચ્ચે ભાજપના જ મોવડીઓ અને નગરસેવકો મેદાનમાં આવી ગયા છે. તો લાંબા સમયથી કાગળની લડાઇ લડતો વિપક્ષ પણ હવે સંભવત: આકરાં પાણી બતાવે તેવું લાગી રહ્યું છે. નબળા નેતૃત્વને પગલે ભાજપના જ અગ્રણીઓ અને નગરસેવકોને સરકારી તંત્ર દ્વારા દાદ ન અપાતાં પક્ષમાં પણ ભારે નારાજગી ફેલાઇ છે. ભાજપની જ જૂથબંધી કારણભૂત હોવાથી હવે નગરસેવકો તથા પક્ષના મોવડીઓને જાહેરમાં વિરોધમાં ઊતરવું પડી રહ્યું છે જે પક્ષ માટે શરમજનક બાબત કહેવાય. મંગળવારની સભામાં ખાસ જે મુદ્દાઓ પર તડાપીટ બોલશે તે નીચે મુજબ છે. કરોડોના ગટરલાઇનનાં કામો ભુજ સુધરાઇએ અન્ય સમસ્યાઓ કોરાણે મૂકી માત્રને માત્ર ગટરસમસ્યા પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરતાં આ કામોના ખર્ચનો આંક કરોડોને પાર કરી ગયો છે. પણ તેમ છતાં સમસ્યા હજુ નથી ઉકેલાઇ અને હજી પણ લાઇનો આપોઆપ બેસી રહી છે અને મરંમત પાછળ આંધળો ખર્ચ બિનદાસ્તપણે કરાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સત્તાપક્ષના નગરસેવક અને ગટરશાખાના ચેરમેને જ મોટા પાયે ભ્રષ્ટાચારના આશંકા સાથે કામોની માહિતી માગતાં અનેક સામે શંકાની સોય તકાઇ છે. જળકુંભીનો આઠ લાખનો ધૂંબો દેશલસર તળાવમાં એક વરસ પહેલાં જળકુંભી ઊગવાની શરૂઆત થઇ હતી. જે મુદ્દે વિપક્ષની સાથોસાથ સત્તાપક્ષના નગરસેવક દ્વારા પણ ધ્યાન દોરવા છતાં કોઇ પગલાં ન લેવાતાં અંતે આખા તળાવમાં વેલ ફેલાઇ અને હવે તેને કાઢવા આઠ લાખનો કોન્ટ્રાકટ અપાયો. જર્જરિત કચેરીથી કર્મીઓ પર જોખમ લાંબા સમયથી ભાજપ શાસનમાં હોવા છતાં ભુજ સુધરાઇની ટેકા પર ઊભેલી કચેરી નવી અને સુરક્ષિત કરવા કોઇ જ આયોજન હાથ નથી ધરાયું. ધરતીકંપના આંચકાઓ હજુ આવી રહ્યા છે ત્યારે ગમે તે ઘડીએ આ બિલ્ડિંગ ધ્વસ્ત થાય તેવી સંભાવના છે ત્યારે સાઈકલ ટ્રેક નહીં બને તો ચાલશે પરંતુ મોટી સંખ્યામાં કચેરીમાં કર્મીઓ કામ કરી રહ્યા છે તેમના જીવ બચાવવાનું આયોજનને મહત્વ અપાય તે વધારે મહત્વનું છે. શિવકૃપાનો જર્જરિત ટાંકો અડધા ભુજને જ્યાંથી પાણી વિતરણ થાય છે તે શિવકૃપા ટાંકો જર્જરિત બનવા સાથે થોડા દિવસો પહેલાં જ છત ધરાશાયી થઇ હતી. નવાઇની વાત તો એ છે કે, આ ટાંકા નજીક જ નવો ટાંકો બનાવવા ખાતમુહૂર્ત કાર્યક્રમ પાછળ રૂપિયા ખર્ચાયા પણ તે જમીન જ જંગલ ખાતા હસ્તકની હોવાથી કામ ટલ્લે ચડયું અને ગાંધીનગર ખાતે ફાઇલ અટવાઇ અને તેને પાસ કરાવવામાં સત્તાપક્ષ વામણો પુરવાર થયો અને જર્જરિત ટાંકાથી જ ગાડું ગબડાવાય છે. ભાજપના નગરસેવકોને જ અન્યાય શહેરીજનોના કરમની કઠણાઇ તો જુઓ કે, સત્તાપક્ષના જ નગરસેવકના વિસ્તારમાં વિકાસ કામો પર ચોકડી મારી દેવાઇ હોવાનો આક્ષેપ છે. વોર્ડ નં. ચારના નગરસેવકોના વિસ્તારોમાં વિકાસકામો ન લેવાતાં તેનો ભારે વિરોધ ઊઠયો છે અને આ નારાજગી આજે અધિકારી-પદાધિકારીને દઝાડે તેવી પૂરી શક્યતા વ્યકત થઇ રહી છે. જો કે, દર વખતે સુધરાઇના હોલમાં મળતી સભામાં વિપક્ષને બોલવાની તક સુધ્ધાં નથી અપાતી ત્યારે આ વખતે ટાઉનહોલ વિપક્ષી નગરસેવકોને ફળે છે કે, કેમ તેના પર સૌની મીટ મંડાઇ છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer