બિદડા નજીક ટેમ્પો હડફેટે બાઇક આવી જતાં દુર્ગાપુરના બે ભાઇ ઘવાયા

બિદડા નજીક ટેમ્પો હડફેટે બાઇક આવી જતાં દુર્ગાપુરના બે ભાઇ ઘવાયા
ભુજ, તા. 5 : માંડવી અને મુંદરાને જોડતા ધોરીમાર્ગ ઉપર માંડવી તાલુકાનાં બિદડા ગામ નજીક ટેમ્પોની હડફેટે બાઇક આવી જતાં જીન્દાલ કંપનીમાં નોકરી કરતા દુર્ગાપુર ગામના બે ભાઇ જખ્મી થયા હતા. જેમને વધુ સારવાર માટે ભુજ  ખસેડાયા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આજે મધ્યાહ્ને બનેલી અકસ્માતની આ ઘટનામાં ઘાયલ થનારામાં દુર્ગાપુરના સોનુ મોહન વાઘેલા (ઉ.વ.18) અને ઇન્દ્રક મોહન વાઘેલા (ઉ.વ.15)ને ઇજાઓ થઇ હતી. આ બન્ને ભાઇઓને માંડવીમાં પ્રથમ સારવાર બાદ ભુજ જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે.  ભોગ બનનારા બન્ને જણ દુર્ગાપુર ખાતેથી બાઇક ઉપર જીન્દાલ કંપનીમાં કામે જવા માટે નીકળ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો. માંડવી પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. ટ્રેઇલરમાં બાઇક ભટકાતાં બીજી બાજુ અંજાર તાલુકામાં અજાપર ગામ નજીક માર્ગ ઉપર બંધ હાલતમાં ઊભેલા ટ્રેઇલર સાથે બાઇક અથડાતાં દ્વિચક્રી વાહનના ચાલક ટપ્પરના હરિ ભલા રબારી (ઉ.વ.18) જખ્મી થયો હતો. તેને ગાંધીધામથી વધુ સારવાર માટે ભુજ ખસેડાયાની વિગતો પોલીસે આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer