કચ્છના 71 ટકા દર્દીઓએ કોરોનાને મહાત આપી : હવે 23 ટકા એક્ટિવ કેસ

ભુજ, તા. 4 : વૈશ્વિક મહામારી કોરોનાએ ગુજરાતના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પોતાની પકડ મજબૂત રીતે જમાવી છે. જોકે, વીતેલા થોડા દિવસોની વાત કરીએ તો રાજ્યની સાથે કચ્છનો પણ કોરોનાનો રિકવરી રેટ નોંધપાત્ર રીતે સુધર્યો હોવાનું આરોગ્ય વિભાગના આંકડા બોલી રહ્યા છે. કચ્છની વાત કરીએ તો અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના 83 જેટલા પોઝિટીવ કેસ નોંધાયા છે. મોટાભાગના પોઝિટિવ કેસ બહારના વિસ્તારમાંથી લોકોના આવાગમનની છૂટ મળ્યા બાદ જ વધ્યા છે. કુલ કેસ પૈકી અત્યાર સુધી 71 ટકા એટલે કે, 59 દર્દીઓ આ રોગને મહાત આપી પરત ઘરે ફર્યા છે. હાલની સ્થિતિએ કચ્છમાં કોરોનાના 19 એકટીવ કેસ છે જે કુલ કેસના 23 ટકા જેવા માંડ થાય છે. જિલ્લામાં થયેલા મોતની વાત કરીએ તો 4 લોકો કોરોના અને 1નું ગાયનેક બીમારીથી મળી 5 લોકોના મોત નીપજ્યા છે. દર્દીના મોત થયાની ટકાવારી માંડ છ ટકા જેટલી જ છે. લગભગ એક પખવાડિયા પૂર્વે કચ્છમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા 50 હતી. જોકે, નવી માર્ગદર્શિકા અનુસાર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા દર્દીઓને મોટી સંખ્યામાં રજા આપવાનો સિલસિલો શરૂ કરાતાં એકટીવ કેસોની સંખ્યા ઉલ્લેખનીય રીતે ઘટીને હવે 19 પર આવી ગઇ છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર જેમનો કેસ પોઝિટિવ આવ્યો હોય તેના પછી તાવ આવવા સહિતના કોઇ લક્ષણો ન દેખાય તો મહત્તમ 10 દિવસમાં બીજીવાર રિપોર્ટ કરાવ્યા વગર જ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે.કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોમાં કેસો નોંધાયા તે મોટાભાગે ગંભીર પ્રકાર ન હોવાના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે થોડા દિવસો પૂર્વે જે ગતિએ પોઝિટિવ કેસ વધ્યા લગભગ સમાન ગતિએ અલગ અલગહોસ્પિટલમાંથી દર્દીઓને રજા આપવાનો ક્રમે વેગવાન બન્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શરૂઆતના સમયથી દેખાડવામાં આવેલી તકેદારી અને આયોજનબદ્ધ રીતે કરાયેલા આ કાર્ય થકી જ રિકવરી રેટને સારો કરવામાં સફળતા મેળવી શકાઇ છે. વીતેલા અઠવાડિયાની વાત કરીએ તો મોટાભાગે કોરોનાના કેસ મોટી માત્રામાંનહીં એકલ-દોકલ આવી રહ્યા છે. વળી જે એકટીવ કેસ છે તેમાં પણ ગંભીર હાલતવાળા દર્દીઓ ન હોતાં જે એકટીવ કેસ છે તેઓ પણ થોડા જ સમયમાં  રિકવર થઇ જાય તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. હાલમાં જારી રહેલો ક્રમ જળવાયેલો રહેશે તો એકટીવ કેસમાં ઘટાડાનો દોર યથાવત રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer