આસંબિયા પંથકમાંયે 25 ટકા કેરી ખરી પડી

આસંબિયા પંથકમાંયે 25 ટકા કેરી ખરી પડી
જીવરાજ ગઢવી દ્વારા-  કોડાય (તા. માંડવી), તા. 2 : માંડવી પંથકમાં છેલ્લા ચારેક દિવસથી ફૂંકાયેલા વેગીલા પવનના કારણે કેરીના ફાલને 25 ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે. આસંબિયા પંથકમાં  માવઠાં રૂપે અગાઉ ઝાપટાં પડવાથી ફૂલ પણ ખરી પડવાથી ઉત્પાદન ઓછું થવાની સાથે પવને વધુ નુકસાન વેર્યું છે. પુનડી ખાતે લોડાયા ફાર્મથી મહેન્દ્રસિંહ લાખુભા જાડેજાના જણાવ્યા મુજબ છેલ્લા 2 દિવસમાં 20થી 25 ટકા માલ પવનથી ખરી પડતાં 6 હજાર જેટલા કેસર કેરીનાં ઝાડમાંથી ખરી પડેલો કેટલોક માલ નજીવા ભાવે વેચવાની ફરજ પડી છે. અગાઉ અહીંથી બેંગ્લોર, મુંબઇ, અમદાવાદ સહિતની બજારોમાં  માલ મોકલવામાં આવતો, પણ હાલ કોરોના અને લોકડાઉનમાં આ મોટી બજારો મળવાની કોઇ સંભાવના ન હોવાથી સ્થાનિક બજારમાં માલ વેચવાનો વખત આવ્યો છે. કોડાય આનંદ એગ્રો ફાર્મના વસંતભાઇ રવજી શાહે જણાવ્યું હતું કે, હાફુસ કેરીના 400 જેટલા ઝાડમાંથી છેલ્લા આઠ વર્ષથી પુષ્કળ પ્રમાણમાં મુંબઇની બજારમાં માલ વેચાય છે. પણ હાલ મુંબઇ ખાતે સદંતર બંધની સ્થિતિમાં કચ્છમાં  જ કેરી નીચા ભાવે વેચવી પડશે. પવનના કારણે કેરીના ફાલને નુકસાની થયાની વાત કરી હતી. મોટા આસંબિયાના આર.જે. ફાર્મ ખાતે  કેસર કેરીનો 30 એકરમાં બગીચો છે, જેમાં પણ વેગીલા પવનથી 15 ટકા જેટલું નુકસાન થયું છે, તેવું ખેડૂત પ્રવીણભાઇ ગાલા તેમજ સંચાલનકર્તા લક્ષ્મીચંદ સંગારે  જણાવતાં મોટી બજારો મુંબઇ સહિતમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કેરીનો માલ જાય છે પણ કોરોનાની અસરથી હાલ હોલસેલમાં માત્ર 25થી 35 રૂપિયા જ ભાવ હોવાનું જણાવ્યું હતું. નાના આસંબિયા વીમા ફાર્મથી કુલીનભાઇ મોરારજી ગાલા અને ફાર્મના  સંચાલક હરિભાઇ સંગારે તેમના ફાર્મના 2 હજાર જેટલા કેરીના ઝાડવામાં  20 ટકા જેટલું નુકસાન થયાનું  કહ્યું છે.  બે મહિના અગાઉ માવઠાં રૂપે ઝરમરિયાથી ફૂલ ખરી પડતાં માલમાં ઘટાડો આવ્યો છે તેમજ દર વર્ષે અસંખ્ય આવતા વેપારીઓમાં પણ કોરોનાના કારણે ઘટાડો આવ્યો છે અને આંબાના પાક ઉપર ખેડૂતોએ ખર્ચો પણ બહુ પ્રમાણમાં કર્યો હોવાનું જણાવ્યું હતું. અન્ય ખેડૂતોએ  એવી પણ વેદના વ્યકત કરી હતી કે લોકડાઉનમાં કેરી બહારની  બજારોમાં  મોકલી શકાતી નથી ત્યારે  દલાલોએ પણ પોતાનું  કમિશન 10 ટકા સુધી લેતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઇ રહ્યું છે. જેથી કેરીના ખેડૂતો માટે સરકારી પ્લેટફોર્મ મળી રહે તે જરૂરી બની રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer