લક્કી નાળામાંથી ચરસના 19 પેકેટ મળ્યાં

લક્કી નાળામાંથી ચરસના 19 પેકેટ મળ્યાં
ભુજ/નારાયણ સરોવર, તા. 1 : કચ્છની કુખ્યાત ક્રીક દરિયાઇ સરહદ કેફી દ્રવ્યોનું ટ્રાન્ઝિટ પોઇન્ટ બની રહ્યાના ચોંકાવનારા અહેવાલો વચ્ચે આજે નૌકાદળની ગુપ્તચર પાંખે સીમા સુરક્ષા દળની સાથે સંયુક્ત ઓપરેશનમાં લખપત અને કોટેશ્વર વચ્ચેના લક્કીનાળા વિસ્તારમાંથી ચરસના 19 પેકેટ ઝડપી લઇને આ વિસ્તારમાં કેફી દ્રવ્યો ઝડપાવાના સિલસિલાને વધુ ચિંતાજનક સ્તરે પહોંચાડયો છે. 28.5 લાખની કિંમતના મનાતા આ જથ્થાને બોટ દ્વારા કોટેશ્વર લાવીને નારાયણસરોવર પોલીસમાં જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. ગયા મહિને કચ્છ પોલીસે શેખરનપીર વિસ્તારમાંથી 24 લાખની કિંમતના આવા 16 પેકેટ ઝડપ્યાં હતાં અને તે પછી સીમાદળે પણ વાયોર નજીક આવું જ એક વધુ પેકેટ ગયા બુધવારે કબ્જે કર્યું હતું. સાવ ટૂંકા સમયગાળામાં કેફી દ્રવ્યો ઝડપવાના ત્રણ બનાવોએ આ સંવેદનશીલ સરહદના મહત્ત્વને એક વધુ પરિમાણ પૂરું પાડયું છે. સંબંધિત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ નેવલ ઇન્ટેલિજન્સ(એનઆઇયુ)ના અધિકારીઓને લક્કીનાળા વિસ્તારમાં માલ છુપાવાયો હોવાની બાતમી મળી હતી. સીમાદળના સહયોગથી નૌકાદળના કોટેશ્વર સ્થિત માર્કોસ કમાન્ડો દળે એનઆઇયુના સાથે આ વિસ્તારમાં ધસી જઇને ઓપરેશન હાથ ધર્યું હતું. ભરબપોરે 12.30થી 1.00ના અરસામાં ગુહાર ગામ નજીક રવીન્દ્ર ચોકી અને લક્કી ચોકી વચ્ચેના વિસ્તારમાં એક કોથળામાં પેક કરાયેલા કોફીના 19 પેકેટમાં બંધ ચરસનો જથ્થો કબ્જે કર્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા થોડા વર્ષથી કચ્છની દરિયાઇ અને ક્રીક સરહદો પર કેફી દ્રવ્યોના આંતરરાષ્ટ્રીય સોદાગરોનો ડોળો વધી રહ્યો છે. ગયા વર્ષે જખૌ નજીક મધદરિયે કોસ્ટગાર્ડે એક ટ્રોલરને કરોડોના ડ્રગ્સ સાથે ઝડપી લીધું હતું. આ એક મોટાં ઓપરેશનની સાથોસાથ રાજ્ય પોલીસના ત્રાસવાદ વિરોધી દળ, સ્થાનિક પોલીસ, સીમાદળને ચરસના પેકેટ મળતાં રહ્યાં છે. હવે આ એજન્સીઓની યાદીમાં નેવલ ઇન્ટેલિજન્સનું નામ ઉમેરાયું છે. અત્યાર સુધીના ઓપરેશનમાં 2009માં માંડવીના લાયજા નજીક ચરસના 10 કિલો જથ્થા સાથે એટીએસે સુથરીના બે ઇસમોને આબાદ ઝડપી લીધા હતા. આ કેસના તાર આઇએસઆઇ સુધી જોડાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ તે સમયે થયો હતો. આમ નાપાક ગુપ્તચર એજન્સી આઇએસઆઇ તેના ભારતમાં નાર્કોટેરેરિઝમના ઇરાદાને પાર પાડવા માટે કચ્છની વાટનો ઉપયોગ કરતી થઇ હોવાના અહેવાલો હવે ગંભીર સ્વરૂપ લઇ રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer