કચ્છ એસ.ટી. દ્વારા આંતર જિલ્લાની 33 ટ્રીપ શરૂ

કચ્છ એસ.ટી. દ્વારા આંતર જિલ્લાની 33 ટ્રીપ શરૂ
ભુજ, તા. 1 : ચોથા લોકડાઉનના અંતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા અનલોક-1માં મળેલી વધુ છૂટછાટ બાદ કચ્છ એસ.ટી. વિભાગ દ્વારા વધુ આંતર જિલ્લાની 33 એક્સપ્રેસ ટ્રીપ શરૂ કરવામાં આવી છે. જ્યારે તાલુકા કક્ષાએ 47 જેટલા લોકલ રૂટ કાર્યરત છે. તો સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાડતા બનાવમાં એક જ સીટ પર નિયમ કરતાં વધુ પ્રવાસી બેઠેલા જોવા મળ્યા હતા, તો સંકુલમાં પણ અનેક  લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. અનલોક-1માં મળેલી છૂટછાટ કચ્છના એસ.ટી. તંત્ર દ્વારા આંતર જિલ્લાના નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વિભાગીય નિયામક સી.ડી. મહાજને આપેલી વિગતો મુજબ ભુજ ડેપોમાંથી ભુજ, રાજકોટ, ગોંડલ, અમદાવાદ, હિંમતનગર, ભાવનગર, પોરબંદર, પાલિતાણા, જામનગર, વડોદરા, મહેસાણા, પાટણ, માંડવી ડેપોમાંથી રાજકોટ, ખંભાળિયા, જામનગર, સુરેન્દ્રનગર, પાલનપુર, વડનગર, ગાંધીનગર, મુંદરા ડેપોમાંથી રાજકોટ, વેરાવળ, જામનગર, અંજાર ડેપોમાંથી લીમડી, મહુવા, દ્વારકા, જામનગર, રાજકોટ, રાપરથી રાજકોટ, નલિયાથી અમદાવાદ, જામનગર, નખત્રાણાથી મહેસાણા, કેશોદ, આણંદના આંતર જિલ્લા રૂટ શરૂ કરાયા છે. ઉપરાંત ભુજ-પાલનપુર રૂટ પણ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ લોકડાઉનના કારણે સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર વિસ્તારના મોટાભાગના ડ્રાઇવર-કંડકટરો ચાલ્યા ગયા હોવાથી હાલ સ્થાનિકના કર્મચારીઓ પર ફરજનું ભારણ આવી પડયું છે. જો કે તેમને ફરજ પર હાજર થવા સૂચના આપી દેવામાં આવી છે. દરમ્યાન કચ્છમાં હાલ તાલુકા કક્ષા એ જ રૂટ રાબેતા મુજબ ચાલી રહ્યા છે. જેમાં તાલુકાથી તાલુકા કક્ષાના મુસાફરોને બેસાડાય છે વચ્ચે આવતા પ્રવાસીઓ લેવાની કોઇજ સૂચના સરકાર દ્વારા અપાઇ નથી જોકે, બે તાલુકા વચ્ચે આવતા અને પી.એચ.સી. સેન્ટર ધરાવતા ગામડાના આરોગ્ય કર્મચારીઓ કે પ્રવાસીઓની તપાસણીની જવાબદારી સંભાળે તો આવા ગામોમાંથી મુસાફરો લઇ શકાય તેવે મત ગામડાના વંચિત પ્રવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. દરમ્યાન સોમવારે જિલ્લા મથકે હંગામી બસ સ્ટેશનની મુલાકાત દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સનું છડેચોક ઉલ્લંઘન થતું હોય તેમ બસની રાહ જોતા અનેક પ્રવાસીઓ, ખુદ સ્ટાફના કર્મચારીઓ માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. તો એક બસમાં તો એક સીટમાં નિયમ કરતાં વધુ પ્રવાસી બેઠા હતા. તેમ છતાં તંત્રે કોઇ દરકાર લીધી નહોતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer