લગ્ન સંબંધિત વ્યવસાયકારોની હાલત કફોડી

લગ્ન સંબંધિત વ્યવસાયકારોની હાલત કફોડી
ભુજ, તા. 1 : કોરોનાના કહેરને લીધે લગ્નની શરણાઈ-ઢોલના પડઘમ શાંત થઈ જતાં તેને સંબંધિત અનેક વ્યવસાયકારોની હાલત કફોડી બની છે. લગ્નની સિઝનમાં ઓરકેસ્ટ્રા પાર્ટી, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ-મંડપ ડેકોરેશન, કેટરર્સ, વીડિયો-ફોટોગ્રાફી, બ્યૂટી પાર્લર, દાગીના-કપડાં સંબંધિત અનેક વ્યવસાયકારો સતત વ્યસ્ત જોવા મળે છે પરંતુ કોરોનાની મહામારીનાં પગલે લોકડાઉન થકી છેલ્લા બે માસ કરતાં વધુ સમયથી આ વ્યવસાયને ગ્રહણ લાગી ગયું છે અને આ ગ્રહણ હજુ ક્યારે છૂટશે તે તો ભાવિના ગર્ભમાં છુપાયું છે. મંડપ-લાઈટ ડેકોરેશન હોય કે વીડિયો-ફોટોગ્રાફી કે સાઉન્ડ સિસ્ટમની નવીનતમ વસ્તુઓ અને અદ્યતન સાધનો વસાવવા માટે આ વ્યવસાયકારોએ લોન લીધી છે ત્યારે હવે આવા સંજોગોમાં હપ્તા કઈ રીતે ભરાશે તેની પણ ચિંતા સતાવી રહી છે અને મુસીબતોનાં વાદળો વધુ ઘેરા બનતાં માનસિક સ્થિતિને હાનિ પહોંચી રહી હોવાની ચોંકાવનારી માહિતી આવા ધંધા સાથે સંકળાયેલા લોકો પાસેથી મળી છે. હાલના વિપરિત સંજોગોના લીધે ઓરકેસ્ટ્રા પાર્ટી સંબંધિત પોતાની કલાના કામણ પાથરી રોજીરોટી રળતા કલાકારોની પણ વલે થવી શરૂ થઈ છે. ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે સંકળાયેલા વ્યવસાયકારો પાસેથી મળેલી જાણકારી મુજબ જે વધુ ભણેલા નથી તેવા કલાકારો હાલ રોજના 200થી 400 રૂપિયા મળે તે માટે મજૂરી અને કલરકામ તરફ વળ્યા છે, તો અમુક લોકો ખાનગી કંપનીમાં નોકરીએ લાગ્યા છે. જ્યારે અમુક કલાકારોએ રિક્ષા-છકડા ચલાવવા શરૂ કરી દીધા છે. વિવિધ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે સંકળાયેલા આ કલાકારો એકબીજાથી પરિચિત હોવાથી પરિવારની જેમ વર્તે છે. જ્યારે પણ આમાંના કોઈ એકલ-દોકલને આકસ્મિક મુસીબત આવે છે ત્યારે બધા જ એકઠા થઈ તેને માનસિક અને આર્થિક રીતે મદદરૂપ થતા હોય છે. પરંતુ આજની પરિસ્થિતિ તો બધા માટે જ એકસમાન છે આથી હવે કોણ કોને મદદ કરે તેવી હાલત સર્જાઈ છે. દરમ્યાન સેવાભાવીઓ અને દાતાઓના સહયોગથી આવા જરૂરતમંદ કલાકારોને મદદરૂપ થવા રાશનકિટનું વિતરણ થયું હતું. ઓરકેસ્ટ્રા પાર્ટીના સંચાલકો ઈચ્છી રહ્યા છે કે, લોકડાઉનમાં હવે ધીરે-ધીરે છૂટછાટો વધતી જાય છે ત્યાર આવા કલાકારો પણ?આત્મનિર્ભર બને તે માટે છૂટછાટો આપવી જોઈએ. આ ઉપરાંત સંગીત-નૃત્ય કલાસ ચલાવતા કલાકારો પણ પોતાના કલાસ ફરી શરૂ થાય તેવું ઈચ્છી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer