થોરિયારીમાં મુંબઇ વસતા દાતાઓના સહકારથી વિવિધ વિકાસકાર્યો કરાયાં

થોરિયારીમાં મુંબઇ વસતા દાતાઓના  સહકારથી વિવિધ વિકાસકાર્યો કરાયાં
થોરિયારી (તા. રાપર), તા. 1 : તાલુકાના નાનકડાં ગામે વિવિધ ઉપયોગી કાર્યોથી લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વાગડના હાઇવેથી અંદર અને રણકાંઠે આવેલા પંદરસોની વસતી ધરાવતા થોરિયારી ગામે મહિલા સરપંચ રામીબેન ધારાભાઇ ભરવાડના પ્રયાસોથી અને મુંબઇ વસતા ગામના લોકોના સહકારથી વિવિધ કાર્યો કરાયાં છે. દાતાઓ સ્વ. વિશાબેન ગોપાલ મૂળજી ગડા પરિવારના ભાણજીભાઇ, રમણીકભાઇ, અરવિંદભાઇ દ્વારા 21 લાખના ખર્ચે સ્મશાન, ગૌશાળા, પ્રવેશદ્વાર, અવાડા, ગાયો માટે શેડ બનાવવામાં આવ્યા છે. તો કરસનભાઇ રાઘવજી ગાલા દ્વારા કીડિયારું આજીવન નાખવા માટે સહયોગ આપી રહ્યા છે. સ્થાનિકે થોરિયારી યુવા વિકાસ મંડળ દ્વારા ગાયોને ઘાસચારો નખાય છે. પક્ષીઓ માટે ચબૂતરો બની રહ્યો છે. માજી સરપંચ ધારાભાઇ ભરવાડ દ્વારા થોરિયારી, કુંભારિયા, પેથાપર, માણાબા, ભીમદેવકા, ફૂલપરા, મેવાસા, પ્રતાપગઢ સહિતનાં ગામોના લોકો માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા અપાઇ છે. નવીનભાઇ ઠક્કર, નારણભાઇ પટેલ - માજી ઉપસરપંચ, કરમશીભાઇ ભરવાડ, ઉપસરપંચ મોંગાભાઇ ભરવાડ, નવઘણભાઇ ભરવાડ વિગેરેનો સહકાર મળી રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે આશાપુરા સખી મંડળ દ્વારા 1200 માસ્ક બનાવી ગામલોકોને વિતરણ કરાયા હતા. તાલુકા પંચાયત દ્વારા નરેગા યોજના હેઠળ થોરિયારી સહિત આજુબાજુના ગામલોકો રોજગારી મેળવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer