પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈન નિયમમાં ફેરફાર

ભુજ, તા. 1 : અગાઉ ભારતમાં ક્વોરેન્ટાઈન થયા ન હોય તેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસી તેમજ અન્ય રાજ્યમાંથી કચ્છ આવનારાઓને 14 દિવસ ક્વોરેન્ટાઈનનો નિયમ પાળવો પડશે. આજે કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે જેઓ ડોમેસ્ટિક ફ્લાઈટથી અથવા રસ્તા, રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ભારત દેશમાં ક્વોરેન્ટાઈન થયા ન હોય તેમણે ફરજિયાત 10 દિવસ સંસ્થાકીય અને ચાર દિવસ હોમ ક્વોરેન્ટાઈન થવાનું રહેશે. તેમજ જે-તે સંસ્થાના દર અને ધારાધોરણને અનુસરવું પડશે જો કે, માનવીય તકલીફ ધરાવતી વ્યક્તિ, સગર્ભા મહિલા, કુટુંબના સભ્યનું મૃત્યુ, ગંભીર બીમારી, 10 વરસથી ઓછી ઉમરનું બાળક અને તેની સાથેના તેના માતા-પિતા, 60 વર્ષથી વધુ ઉમરની વ્યક્તિને તેમાંથી મુક્તિ અપાઈ છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાંથી પેસેન્જર રેલ, રસ્તા, હવાઈ માર્ગે કચ્છ જિલ્લામાં રહેણાકના હેતુસર આવતા લોકોએ તેઓએ આગમન અંગેની જાણ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રને કરવાની રહેશે અને મેડિકલ, ક્રીનિંગ કરાવવાનું રહેશે. ઉપરાંત 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન થવું પડશે. જેઓ વ્યાવસાયિક હેતુસર, વ્યાવસાયિક ટ્રીપના કારણોસર ટૂંકા રોકાણ બાદ પરત જવાના હોય તેઓએ સંસ્થાકીય કે હોમ ક્વોરેન્ટાઈન થવાની જરૂર રહેશે નહીં. પરંતુ આ અંગે તેઓએ સક્ષમ અધિકારી પાસે પ્રવાસ કાર્યક્રમની વિગતો રજૂ કરવાની રહેશે. અલબત્ત ફરજિયાતપણે મેડિકલ ક્રીનિંગ કરાવવાનું રહેશે. નજીકના સંબંધીના મૃત્યુના કારણસર કે, મેડિકલ ઈમરજન્સીના કારણસર આવતા હોઈ અને ટૂંકા રોકાણ બાદ પરત જવાના હોય પરંતુ આ અંગેના આધારો ફરજ ઉપર નિયુક્ત અધિકારી પાસે રજૂ કરવાના રહેશે તેમજ અન્ય રાજ્યોમાંથી ઔદ્યોગિક એકમોમાં આવતા શ્રમિકોએ જે તે એકમના સંકુલમાં ક્વોરેન્ટાઈન અંગેની વ્યવસ્થા કરવાની રહેશે. અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, શ્રમિકો રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી અત્રેના જિલ્લામાં આવે ત્યારે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ફરજિયાત ત્રણ દિવસ સંસ્થાકીય ક્વેરેન્ટાઈન તથા 11 દિવસ હોમ ક્વોરેન્ટાઈન થવાનું રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer