દોઢસો વર્ષ જૂનું ભુજ-ભચાઉ વચ્ચે દોડેલું `એન્ટિક ગાડું'' માના ચરણે ધર્યું

દોઢસો વર્ષ જૂનું ભુજ-ભચાઉ વચ્ચે   દોડેલું `એન્ટિક ગાડું'' માના ચરણે ધર્યું
કમલેશ ઠક્કર દ્વારા ભચાઉ, તા. 28 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાનને ભચાઉ સ્થિત ગાડલિયા (લુહાર) સમાજ ખરા અર્થમાં સાકાર સ્વરૂપ આપવાની સાથે તેમાં આત્મગૌરવ પણ ઉમેરતા હોય તેમ શ્રમ એ જ શકિતનેય સાર્થક કરી રહ્યા છે. ઈતિહાસ એવો છે કે પાંચેક સદી પૂર્વે કારણવશ ચિત્તોડગઢ છોડયું અને રાજસ્થાન તરફથી ગુજરાત અને ચાલીસ વર્ષથી ભચાઉમાં સ્થાયી થયેલા ગાડલિયા (લુહાર) સમાજ વરસાદ પૂર્વે ખેતી આધારિત ઓજારો બનાવવા સજવા ગામના ઝાંપે પહોંચી જાય છે. તેમની સાથે ઘરવખરી, પરિવાર, ગાડાં પણ લઈ જાય છે, પરંતુ આત્મગૌરવ કયારેય ઝંખવાતું નથી. નગરના ઉત્તર તરફ નવી ભચાઉ તરફ આ પરિવારના ખોરડા છે. ગાભાભાઈ ગોપાલભાઈ ગાડલિયા પરિવાર સમેત છેલ્લા ચાલીસ વર્ષથી અહીં રહે છે. ચિત્તોડગઢ છોડી આજીવિકા માટે ભારતભરમાં નીકળી પડયા. કચ્છમાં કેરા, માનકૂવા, નારણપર, રતનાલમાં પણ આ પરિવારો વસે છે. ગાભાભાઈ કહે છે, લોકડાઉન-1 અને 2માં સંપૂર્ણ રોજગાર- કામ કરવા પર પૂર્ણ વિરામ મુકાયું ત્યારે એસ. આર.પી. પરિવાર દ્વારા સેવા ચાલતી. તેમના તરફથી રાશનકિટ આવી. સરકારે બે માસ ખાંડ-ચોખા-ઘઉં-દાળ આપ્યા. અમારું ગુજરાન થઈ ગયું અને હવે ધીમી ગતિએ કામ મળતું થયું. નવરાશના દિવસોમાં માતાજીની આરાધના કરતા. માતાજીની આરાધના માટે કોઈ મોટા દેવમંદિર બનાવવા ખર્ચ થાય, એટલા મૂલ્યવાળું ગાડું આ પરિવારોની કિંમતી જણસ ધરોહર સમાન છે. ભલે એક કરોડ રૂપિયા આવે અમે તેને વેચતા નથી પરંતુ માનો ગોખલો -મંદિર (ગાડા)માં માતાજી કેસર ભવાની ચેહર માતાજીની સ્થાપના કરી છે. સદાય અખંડ જ્યોત રાખે છે. નવરાત્રિમાં જૂનવાણી પ્રાચીન રીત પ્રમાણે રાસ-ગરબા કરાય છે. આ સમાજ અગાઉ ગુજરાત, કાઠિયાવાડ, રાજસ્થાન તરફ રોજગારી માટે જતા. સમય જતાં સ્થાયી સ્વરૂપ મળતાં વિકાસ પણ કરતા રહે છે. બાળકો શિક્ષણ લેતા થયા છે. આ પરિવારો ચૂલા, ચારણી, ઘમેલા, ધૂપેડા ચીપિયા જેવા સાધનો છૂટક વેચે છે. ઘર નજીક અન્ય લુહારીકામ પણ કરે છે. (તસવીર-અહેવાલ : દિલીપ ઠક્કર)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer