દહીંસરાના યુવા તબીબ નોકરીના 18મા દિવસે અમદાવાદ રેડ ઝોનમાં ફરજ ઉપર

દહીંસરાના યુવા તબીબ નોકરીના 18મા  દિવસે અમદાવાદ રેડ ઝોનમાં ફરજ ઉપર
કેરા (તા. ભુજ), તા. 31 : સમગ્ર વિશ્વ કોરોના વોરિયર્સ તરીકે તબીબો પર ગર્વ કરે છે, ત્યારે કચ્છ દહીંસરાનો યુવાન હજી 17 દિવસ પહેલાં નોકરીએ જોડાયો અને 18મા દિવસે અ'વાદ રેડ ઝોનમાં સેવા કરવા પહોંચ્યો છે. અન્ય બે પેરા સભ્યો પણ સાથે છે. વાત છે ડો. મિતુલ કિશોરભાઈ પિંડોરિયાની. 25 વર્ષનો આ યુવા તબીબ એમ.બી.બી.એસ. થયા પછી માંડવીની સબ ડિસ્ટ્રીકટ (જનરલ) હોસ્પિટલમાં જોડાયો હતો. હાલ સરકારી દવાખાનાઓમાંથી ફરજ પરના તબીબોને વારાફરતી અ'વાદ ખાતે ફરજ સોંપાય છે, તે ક્રમે ડો. પિંડોરિયા સાથે સ્ટાફ તરીકે લક્ષ્મણભાઈ ચારણ, ડ્રાઈવર તરીકે તાહિર એચ. સુમરા છે, ત્રણેય કચ્છી છે. કચ્છમિત્ર સાથે વાત કરતાં ડો. મિતુલ કહે છે, આ અમારી ડયુટી છે, અમારે કરવાની છે, કારકિર્દીની શરૂઆત આવા મોટા કામથી થાય તે ઘણું શીખવાડી જાય છે. તેણે આ કાર્ય માટે પ્રેરક પિતા કિશોરભાઈ પિંડોરિયા અને માતા પ્રેમિલાબેનને યશાધિકારી ગણાવ્યા હતા. અ'વાદમાં સ્થિતિ ખરાબ છે. સરકારે કોરોના માટે 104 નંબરથી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. શંકાસ્પદ લક્ષણોનો ફોન આવે છે કે તરત ત્યાં પહોંચી જવાનું હોય છે. પ્રાથમિક તપાસ પછી દર્દીને અલગ રખાય છે. વધુ જરૂર હોય તો રિપોર્ટ કરવામાં આવે છે. અ'વાદમાં તબીબોની અછત છે એટલે રાજ્યભરના સરકારી દવાખાનામાંથી હુકમ કરાયા છે. તેમના પિતા કિશોરભાઈએ કહ્યું, કોવિડ પોઝિટિવની સેવામાં મારો પુત્ર એકમાત્ર લેવા પટેલ તબીબ છે, જેનો મને ગર્વ છે, પડકાર જીવનને ઘડે છે, ગામના જાગૃત નાગરિકો પણ ગૌરવ લે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer