વોંધમાં ક્વોરેન્ટાઇન થયેલા ખારોઇના મુંબઇવાસી વૃદ્ધનું નીંદરમાં નિધન

વોંધમાં ક્વોરેન્ટાઇન થયેલા ખારોઇના  મુંબઇવાસી વૃદ્ધનું નીંદરમાં નિધન
ભચાઉ, તા. 1 : તાલુકાના ખારોઇના મુંબઇવાસી વડીલનું વોંધ પાસેની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના મકાનમાં કવોરેન્ટાઇનની મુદત પૂર્ણ થવાની રાત્રે સૂઇ ગયા પછી નિધન થયું હતું. તેમના મોતનું કારણ જાણવા વિશેરા જામનગર મોકલાયા છે. રાત્રે કવોરેન્ટાઇન સેન્ટરમાં અને સરકારી દવાખાને પરિવાર, પટેલ સમાજ સહિતે તંત્ર પર ફિટકાર વરસાવી સગવડ ન આપી પરેશાન કર્યાના ગંભીર આક્ષેપ કર્યા હતા. 82 વર્ષીય વડીલ ગોકરભાઇ વસરામભાઇ વાણને ગઇ સાંજે 4-30 વાગ્યે ઊલટી થઇ હતી. ત્યાર પછી સાંજે નાહ્યા બાદ રાત્રે 8 વાગ્યે જમી ત્રણ ચાર આંટા મારી સૂઇ ગયા, રાત્રે એક વાગ્યે તેમની બાજુમાં સૂતેલા તેમના પુત્ર બેચરલાલે ખબર લેતાં પોતે ડોકટરને બોલાવતાં બાપા મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું. ભચાઉ સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડાયા બાદ મામલતદાર વાછાણી, આરોગ્ય અધિકારી શ્રી સિંગ, નાયબ મામલતદાર શ્રી હુંબલ, મહિલા પી.એસ.આઇ. શ્રી મકવાણા, ટીડીઓ, પોલીસ સહિત દવાખાને વહેલી પરોઢના પહોંચ્યા હતા. નગરપાલિકાના ઉપપ્રમુખ અને પટેલ સમાજના આગેવાન ભરતભાઇ કાવત્રાએ તંત્રને સગવડ આપવાની રજૂઆત કરી આ ઘટના બદલ નારાજગી વ્યક્ત કરી હતી. મરનારના પુત્ર બાબુલાલે કહ્યું અમે મુંબઇથી આવીને ભૂલ કરી, સખત તાપ-ગરમી અને સીમાડાના આ મકાનમાં ખાવાનાં ઠેકાણા ન હતા. ઘરનું મગાવી જમતા, હાથ જોડયા કે બાપાને ઘરમાં રાખો, તાળું તમે મારી દયો અમે બારે નહીં નીકળીએ. બાપા એક દિવસ ઊંઘ્યા નથી, મુંબઇથી સુખ માટે આવ્યા પરંતુ દુ:ખી થયા. 20 વર્ષના પુત્ર વરૂણને પોઝિટિવ હોવાથી ગાંધીધામ રાખ્યો હતો. તેને ત્યાંથી રજા મળતાં ઘરે કોઇ ન હોઇ કોઇએ પૂછા કરી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer