આદિપુર અને મુંદરાની કોરોના હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓને રજા

આદિપુર અને મુંદરાની કોરોના હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓને રજા
ગાંધીધામ/મુંદરા, તા. 1 : પૂર્વ કચ્છના દર્દીઓ માટે બનાવાયેલી આદિપુરની હરિઓમ કોવિડ હોસ્પિટલમાંથી આજે વધુ બે દર્દીઓને તો મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાંથી એક દર્દીને રજા અપાઈ હતી. હરિઓમ કોવિડ હોસ્પિટલના ડે. મોહિત ખત્રીના જણાવ્યા પ્રમાણે આજે બે દર્દીઓ રમેશભાઈ રાવરિયા અને કિશોરભાઈ સાંઘાએ કોરોનાને મ્હાત આપી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફૂલોથી અભિવાદન કરી વિદાય આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 55 બેડની આ હોસ્પિટલમાં પૂર્વ કચ્છના અંજાર તાલુકાના બુઢારમોરા, ભચાઉ અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ 37 દર્દીઓને દાખલ કરાયા હતા. તાજેતરમાં કંડલા બંદરે શારજાહથી આવેલા જહાજના સાઈન ઓફ થયેલા ક્રૂને કોરોના પોઝિટિવ આવતાં તે એક દર્દી સારવાર તળે છે. મુંદરાની એલાયન્સ હોસ્પિટલના તબીબ મગનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોનાના 12 દર્દી દાખલ હતા, જેમાંથી આજે 1 દર્દી સહિતના કુલ 9 વ્યક્તિ સ્વસ્થ થતાં રજા અપાઈ હતી. આજે અબડાસા તાલુકાના કોઠારાના હનુભા જાડેજાને રજા મળતાં તાળીઓના ગડગડાટથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ દર્દીને ઓક્સિજન પર સારવાર અપાઈ હતી, રિકવરી જલદી આવતાં ડોક્ટરની ટીમનો આભાર માન્યો હતો. હવે ત્રણ દર્દી સારવાર લઈ રહ્યા છે. અત્રે નોંધવું એ પણ છે કે, ડો. મગનભાઈ ચૌધરી (જે મૂળ ડીસા) તથા સંજીલએ છેલ્લા ચાર માસમાં એક પણ રજા નથી રાખી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer