વધવાળા શિક્ષકોને બદલીમાં થયેલા અન્યાય મુદ્દે રાજ્યની ટીમે કચ્છની મુલાકાત લીધી

ભુજ, તા. 1 : વર્ષ 2012થી 2016 દરમ્યાન શિક્ષણતંત્રની ભૂલોનો ભોગ બનેલા અને 2019માં યોજાયેલા બદલી કેમ્પમાં વધવાળા શિક્ષકોને થયેલા અન્યાયની ફરિયાદના પગલે તાજેતરમાં રાજ્યસ્તરની ટીમે મુલાકાત લીધી હતી. જો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બદલી નિયમ મુજબ કરાઈ હોવાની સ્પષ્ટતા કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ફેબ્રુઆરી-2019માં વધવાળા શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં આવા શિક્ષકોને તાલુકા બહાર મૂકવામાં આવતાં શિક્ષકોમાં ગણગણાટ ફેલાયો હતો અને અમુક શિક્ષકોએ રાજ્યના શિક્ષણ નિયામક સમક્ષ ફરિયાદ કરી હતી તો અમુક શિક્ષકોએ કોર્ટનો આશરો પણ લીધો હતો. જેના અનુસંધાને તાજેતરમાં સાંબરકાંઠાના ડીપીઈઓએ સ્થાનિક મુલાકાત લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવી હતી. શિક્ષણ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ 2015થી 2020 દરમ્યાન મહેકમની ગણતરી ખોટી રીતે કરવામાં આવી હતી, જેમાં 35 બાળકો સામે એક શિક્ષક મળે તેમ 106 બાળકો સામે 4 શિક્ષક મળવાપાત્ર છે. પરંતુ તંત્ર 36 છાત્ર સામે બે શિક્ષકની ગણતરી કરી એટલે શિક્ષકો ફાજલ બન્યા હતા. આ બાબત 2017-18માં ધ્યાન પર આવતાં ત્યારથી ભૂલ સુધરતાં આવા શિક્ષકોની વધ થઈ હતી હવે આવા શિક્ષકો તંત્રના વાંકે દંડાયા હોઈ તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ તેવો મત સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. તો અમુક નિષ્ઠાવાન છૂટા થઈ ગયેલા શિક્ષકો આટલા સમયથી છૂટા ન કરાયેલા શિક્ષકો બાબતે તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ઉપલી કક્ષાએથી તપાસ આવતાં તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને હજુ સુધી છૂટા ન થયેલા શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટા કરવા આચાર્યોને પરિપત્ર કરાયો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ - 2019 ફેબ્રુઆરીમાં ઓવર સેટઅપ (વધવાળા) શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં 434 શિક્ષકની બદલી કરવામાં આવી હતી. જે પૈકી 33 જેટલા શિક્ષક અમુક કારણોસર છૂટા થયા નહોતા તેમને ગત તા. 13/3ના છુટા કરવા સૂચના અપાઈ હતી. અન્યથા તેમના પગાર અને ઓડિટની તમામ જવાબદારી જે તે આચાર્યની રહેશે તેવો પરિપત્ર પણ કરાયો હતો તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ દ્વારા પણ આવા શિક્ષકોને કારણદર્શક નોટિસ અપાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer