ગાંધીધામના વરસાદી નાળાંની હાલત અંગે વિપક્ષની લાઈવ વીડિયો રજૂઆત

ગાંધીધામના વરસાદી નાળાંની હાલત અંગે વિપક્ષની લાઈવ વીડિયો રજૂઆત
ગાંધીધામ, તા. 1 : સુધરાઈ દ્વારા કરોડોના ખર્ચે નવા બનાવેલા વરસાદી નાળાં કચરા અને ગંદા પાણીથી ઉભરાતા સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિપક્ષ કોંગ્રેસે પત્ર લખી રજૂઆત કરવાના બદલે ટેકનોલોજીના માધ્યમથી લાઈવ વીડિયો દ્વારા ટાગોર રોડના નવા નાળાંઓની થયેલી બદતર હાલત અંગે સુધરાઈને ઢંઢોળી હતી. સુધરાઈ દ્વારા દર વર્ષે પ્રીમોન્સૂન કામગીરી દરમ્યાન નાળાંસફાઈના બહાના તળે લાખો રૂા.નો ખર્ચ કરાય છે. ગત વર્ષે શહેરના તમામ આંતરિક અને મુખ્ય વરસાદી નાળાં બનાવવામાં આવ્યા હતાં. ત્યારે આ નાળાંઓમાં પણ પહેલા જેમ જ ગટરના પાણી ભરાઈ ગયા હોવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી, ચેતન જોશી, ભરત ગુપ્તા વિગરેએ ટાગોર રોડ ઉપર આવેલા ઓસ્લો સર્કલ ખાતેના નાળાંની થયેલી બદતર હાલત અંગેનો લાઈવ વીડિયો બનાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખે સુધરાઈ પ્રશાસન ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લાયન્સ કલબથી ઓસ્લોના ભાનુદર્શન પાસે આવેલા વરસાદી નાળાંમાં કચરાના ગંજ ખડકાયેલા છે. અને લીલા કલરના પાણીથી ખદબદી રહ્યું છે. એક વર્ષથી નાળું પાણીથી ભરાયેલું હોવા છતાં સુધરાઈને પાણી નિકાલ માટે સમય નથી મળ્યો. પ્રજાના ટેકસના પૈસામાંથી કરોડો રૂા. ખર્ચીને જાળવણી ન કરી પ્રજાના પૈસાનો તંત્ર વાહકો દ્વારા બગાડ કરાતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. લાયન્સ કલબના બગીચામાં મોટી સંખ્યામાં બાળકો આવતા હોય છે. તેમજ આસપાસની ઝૂંપડપટ્ટીના બાળકો પણ રમતા હોય છે. આ બાળકો નાળાંમાં પડી જવાની ભીતિ રહે છે. ગંદા પાણીમાં પશુઓ પણ ખાબકી ગયા પછી બહાર કાઢવામાં પણ ભારે તકલીફ પડે છે. હાલ ચોમાસાએ વહેલાસર દસ્તક આપી છે તથા હિકા વાવાઝોડાનોખતરો પણ છે. ત્યારે સમયસર નવા બનાવેલા નાળાઓની ત્વરિત સાફ સફાઈ કરાવવા સુધરાઈ પ્રમુખને કોંગ્રેસ દ્વારા વીડિયોમાં અનુરોધ કરાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer