કોરોના કેસમાં બીજા દિવસેય રાહત

ભુજ, તા. 1 : નોવેલ કોવિડ-19માં લોકડાઉન-4માં કચ્છમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તેમજ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કુલ 28 કન્ટેઈનમેન્ટ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 36,015 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કુલ 43 શંકાસ્પદ કેસોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. કચ્છમાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલા લોકોની ક્વોરેન્ટાઇન અંગેની વિગતોમાં કુલ 4440 જેટલા લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇન હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 17,567 લોકોને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરેન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 291 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 508 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરાઈ છે. જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં હાલ 50 દર્દી દાખલ છે અને 173 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાયા મુજબ આજે ત્રણ કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરી ઊમળકાભેર વિદાય આપવામાં આવી, જેમાં બેને હરિઓમ હોસ્પિટલ આદિપુર અને એકને એલાયન્સ મુંદરા ખાતેથી રજા અપાઇ હતી. કુલ પોઝિટિવ કેસ 80માંથી 59 અત્યાર સુધી સાજા થઇ જતાં રજા અપાઇ છે. હાલમાં 18 એક્ટિવ પોઝિટિવ કેસ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer