તસ્કરો પણ કામે ચડયા : ભુજમાં 3.47 લાખની ચોરી

ગાંધીધામ, તા. 1: ભુજનાં સહયોગનગર ચાર રસ્તા પાસે કતિરા કોમ્પ્લેક્ષમાં આવેલી ઓનલાઇન કુરિયર સર્વિસનું કામ કરતી એક કચેરીના તાળાં તોડી નિશાચરો તેમાંથી રોકડ રકમ અને 10 મોબાઇલ એમ કુલ રૂા. 3,47,193ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. ભુજના કતિરા કોમ્પલેક્ષનાં ઇન્સ્ટાકાર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસ આવેલી છે. લોકો જુદી જુદી કંપનીઓમાંથી જુદીજુદી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. આવી કંપનીઓના ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવાનું કામ કરતી આ કચેરીમાં ગત રાત્રિ દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. આ કચેરીમાં ટીમ લીડર તરીકે કામ કરતા રમેશ લખમશી મેરિયાએ ચોરીના બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શનિવાર, રવિવારે આવેલી રોકડ રકમ રૂા. 2,17,880 તથા જુદીજુદી કંપનીઓમાંથી આવેલો માલ-સામાન રાખી ગઇકાલે બપોરે 4 વાગ્યે ઓફિસ બંધ કરીને તેના કર્મચારીઓ ઘરે ગયા હતા. બાદમાં આજે સવારે માલનું શોર્ટીંગનું કામ કરતા ધીરેન દિનેશ જેઠી ઓફિસે આવતાં કચેરીના તાળાં તૂટેલા જણાયા હતા. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઓફિસનું એક બાજુનું તાળું તૂટેલું હતું. આ તાળું તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને અંદર રહેલાં લોકરમાંથી રોકડ રકમ રૂા. 2,17,880 તથા જુદીજુદી કંપનીઓના 10 મોબાઇલ એમ કુલ રૂા. 3,47,193ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. આ નિશાચરોએ ઓફિસમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરા ઉપરની બાજુ કરી નાખ્યા હતા. જેથી પોતાની ગતિવિધિ કેમેરામાં કેદ ન થાય. આ કેમેરા રાત્રે 3.39ના અરસામાં બંધ પડી ગયા હોવાનું બહાર આવ્યું હતું. ભુજના છેવાડે આવેલા આ વિસ્તારમાં લાખોની મતાની ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. કેમ જાણે તસ્કરો પણ લોકડાઉન પૂર્ણ થતાં પ્રવૃત્ત થયા હોય તેવો તાલ સર્જાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer