વાવાઝોડું દિશા બદલે તેવી શક્યતા : ગુજરાત હજુ બચેલું

ગાંધીધામ, તા. 1 : અરબી સમુદ્રમાં આકાર લઇ રહેલું વાવાઝોડું પહેલાં ગુજરાતના દ્વારકા અને કંડલાને નિશાન બનાવશે તેવી આગાહી વ્યક્ત થઇ હતી પરંતુ હવે તે દિશા બદલીને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થાય તેવી સંભાવના છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની વેધશાળાના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે અત્યારે 7 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલું વાવાઝોડું પણજી (ગોવા)થી 360 કિ.મી. જ્યારે મુંબઇના દક્ષિણ-દક્ષિણ પૂર્વથી 670 કિ.મી. અને અને સુરતના દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ ભાગમાં 900 કિ.મી. દૂર છે. વાવાઝોડું આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બને અને વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. 2જી જૂન સુધી તે ઉત્તર-ઉત્તર પૂર્વ ભણી આગળ વધે તથા પોતાની દિશા બદલીને દક્ષિણ ગુજરાતના દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર (રાયગઢ) વિસ્તારોમાંથી 3જી જૂને પસાર થાય તેવી સંભાવના છે. પરિણામે અત્યારે ગુજરાત ઉપર કોઇ ખતરો નહીં હોવાથી રાજ્યના કંડલા સહિતના તમામ બંદરોએ એક નંબરનું હળવું ચેતવણી સૂચક સિગ્નલ યથાવત રખાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer