સંભવિત વાવાઝોડાં સામે ડીપીટી પ્રશાસન સાબદું : કન્ટ્રોલ રૂમ શરૂ

ગાંધીધામ, તા. 1 : અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાંની સ્થિતિ અંગે અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષે આજે ખાસ સમીક્ષા બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું. વાવાઝોડાં સંદર્ભે બે કન્ટ્રોલ રૂમ શરૂ કરી દઈને આગોતરી તૈયારી શરૂ કરાઈ હતી. ડીપીટીની સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હીકા વાવાઝોડું 3જી જૂને ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. આ સ્થિતિને જોતાં કંડલા ખાતે સિગ્નલ સ્ટેશન અને ગાંધીધામમાં ડીપીટી પ્રશાસનિક ભવન ખાતે બે કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે, જે 24 કલાક કામ કરશે. આ સમયગાળા દરમ્યાન કંડલા બંદરે જહાજો, ક્રેનો તથા અન્ય ટગ, બોટોને જરૂર પડયે સલામત સ્થળે ખસેડવાં, વીજળી અને સંદેશાવ્યવહાર જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું, ડીપીટીની હોસ્પિટલો ખાતે એમ્બ્યુલન્સ, જરૂરી પ્રાથમિક સારવારની કિટ, કર્મચારીઓને તૈયાર રાખવા, જરૂર પડયે તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી વગેરે અંગે આજની બેઠકમાં જરૂરી નિર્દેશ અપાયા હતા. ટ્રાફિક, મરીન, જનરલ એડમિનિસ્ટ્રેશન વગેરે વિભાગોને જુદી-જુદી જવાબદારી સોંપાઈ હતી. ડીપીટીના ખાનગી ભાગીદારો સાથે પણ વાવાઝોડાં સામેની આગોતરી તૈયારી અંગે વાટાઘાટ કરવા ટ્રાફિક વિભાગને જણાવાયું હતું. મહાબંદરની બહાર આવેલાં વિવિધ જર્જરિત કે અસુરક્ષિત હોય તેવા આવાસો ખાલી કરવા તાકીદ કરાઈ હતી. એક અથવા બે સેટેલાઈટ ફોનની વ્યવસ્થા પણ ગોઠવાઈ હોવાનું યાદીમાં જણાવાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer