પાલનપુર (બાંડી)માં સરપંચના પતિએ યુવાન પર કર્યો હુમલો

ગાંધીધામ, તા. 1 : નખત્રાણા તાલુકાનાં પાલનપુર (બાંડી)માં પાણી અંગે રજૂઆત કરવા જતાં મહિલા સરપંચના પતિએ એક યુવાન ઉપર હુમલો કર્યો હતો. બીજી બાજુ ભુજના ઝીંકડીમાં મોડી રાત્રે ફટાકડા ફોડવા મુદ્દે ત્રણ ઈસમોએ એક યુવાનને માર માર્યો હતો. પાલનપુર (બાંડી)માં રહેતા અને નિરોણામાં એસ્સાર પેટ્રોલ પંપમાં ટેન્કર ચલાવતા હરિલાલ જીવણ ગરવાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન જામનગરથી પેટ્રોલ ભરી ગઈકાલે નિરોણા આવ્યો હતો. ત્યાંથી તે પોતાના ઘરે આવ્યો હતો. તે નહાવા જતાં ટાંકામાં પાણી નહોતું. તેણે પોતાની પત્નીને પૂછતાં પાણી ન આવતું હોવાનું કહ્યું હતું. આ યુવાન ગામના સરપંચ નર્મદાબેનને આ અંગે રજૂઆત કરવા ગયો હતો. ત્યાં સરપંચનો પતિ ડાયા શિવજી પાંચાણી ઘરે હાજર હતો. આ યુવાને પાણીની રજૂઆત કરતાં આરોપીએ તારા એકના ઘરે જ કેમ પાણી નથી આવતું, ચાલ તારો ટાંકો બતાવ તેવું કહેતાં ફરિયાદી યુવાને પોતાના ઘરે આવવા કહ્યું હતું. આરોપી લાકડાંનો ધોકો લઈને યુવાન સાથે તેના ઘરે ટાંકો જોવા નીકળ્યો હતો પરંતુ રસ્તામાં તેણે ફરિયાદી સાથે ઝઘડો કરી આ ધોકો ફરિયાદી યુવાનના માથામાં ઝીંકી દીધો હતો અને નાસી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં આ યુવાનને સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. બીજી બાજુ, ઝીંકડીમાં મારામારીનો બનાવ બન્યો હતો. ફરિયાદી પ્રકાશ રણછોડ કેરસિયા (આહીર) અને ભાવિક માવજી ખાસા રાત્રે બાઈક લઈને ગામમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં હુસેન અલી ત્રાયા, અનવર અને હસને ઊભો રખાવ્યો હતો અને રાત્રિના ફટાકડા કેમ ફોડો છો, અમારા ઘેટાં બકરાં તથા બાળકો ડરે છે તેમ કહી પ્રકાશને માર મારતાં ભાવિક નાસી ગયો હતો. આ ફરિયાદીએ પોતે નહીં પણ ભાવિક અને તેના મિત્રો વિવેક ખાસાના જન્મદિવસ નિમિત્તે ફટાકડા ફોડતા હોવાનું કહ્યું હતું. તેમ છતાં આ ત્રણ ઈસમોએ યુવાનને લાકડી વડે માર માર્યો હતો. મારામારીના આ બનાવમાં ફરિયાદીની સોનાની ચેઈન તથા રોકડા રૂા. 2500 અંધારામાં પડી ગયા હતા. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer