ગાંધીધામમાં છરી બતાવીને ખુલ્લેઆમ નવ હજારની લૂંટ

ગાંધીધામ, તા. 1 : શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક પટેલ ટ્રાવેલ્સ પાસે સર્વિસરોડ ઉપર રેલવેના એક કર્મચારીને છરી બતાવી બે ઈસમો રૂા. 9200ની લૂંટ કરી નાસી ગયા હતા. શહેરની રેલવે કોલોનીમાં રહેતા અને કંડલામાં સરવા સ્ટેશન પર પોઈન્ટમેન તરીકે કામ કરતા નિરંજનકુમાર પ્રભુસાવ ગુપ્તાએ લૂંટની આ ફરિયાદ નોંધાવી હતી. ગત રાત્રે તેની નોકરી પૂરી થતાં તે પોતાના સાથી કર્મી અનુપકુમાર સિંઘ સાથે કારમાં બેસીને ગાંધીધામ આવ્યા હતા. બસસ્ટેશન પાસે તે કારમાંથી ઊતરી રાષ્ટ્રીય ધોરીમાર્ગની રેલિંગ કૂદી સામે પારના સર્વિસરોડ ઉપર આ યુવાન એવો ફરિયાદી આવ્યો હતો. અહીંથી તે પગે ચાલીને જઈ રહ્યો હતો. તેવામાં પટેલ ટ્રાવેલ્સની કચેરી પાસે હાજીપીર હોટેલ બાજુથી એક સ્પ્લેન્ડર બાઈક તેની પાસે આવીને ઊભી રહી હતી. જેમાં સવાર બે શખ્સે હિન્દી ભાષામાં કહ્યું હતું કે, મારા ભાઈનો મોબાઈલ કોઈ લૂંટીને જતો રહ્યો છે, તારો મોબાઈલ બતાવ, તેં તો લૂંટી લીધો નથી ને. આ યુવાને પોતે રેલવેમાં નોકરી કરતો હોવાનું અને આવું કામ તેણે નથી કર્યું તેવું કહેતાં, એક શખ્સે તેના ખિસ્સામાં હાથ નાખી મોબાઈલ લેવાની કોશિશ કરી હતી. આ યુવાને તેનો પ્રતિકાર કરતાં બાઈકચાલક ત્યાં આવ્યો હતો. તેણે છરી કાઢી ફરિયાદીના હાથમાં રહેલા થેલામાં છરી મારી હતી અને તેનો મોબાઈલ ઝૂંટવી પર્સમાં રહેલા રોકડ રૂા. 4200, એટીએમ કાર્ડ, ગ્રીન કાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેલવે આઈ.ડી.કાર્ડ વગેરે રૂા. 9200ની લૂંટ કરી યુવાનને ધક્કો મારીને નાસી ગયા હતા. લૂંટના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. આ લૂંટારુઓ 24થી 25 વર્ષના તથા એકે લીલા રંગનું શર્ટ, કાળા રંગનું જીન્સ પહેર્યું હતું તથા બીજા શખ્સે પીળાં રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. આ લૂંટારુઓને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer