મુંદરામાં બારી વાટે ઘરમાં ઘૂસી 11 હજારની માલમતા ચોરાઈ

ગાંધીધામ, તા. 1 : મુંદરાનાં બારોઈ રોડ ઉપર આવેલા મારુતિનગરના એક મકાનમાં મકાનમાલિક સૂતા હતા ત્યારે બારી વાટે નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને ઘરમાંથી રૂા. 11,050ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. મુંદરાના બારોઈ રોડ મારુતિનગરમાં રહેતા મીનાદેવી જગદીશગિરિ ભવાનગિરિ ગોસ્વામીએ ચોરીના આ બનાવ અંગે આજે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બે માળના મકાનમાં રહેતા આ ફરિયાદી મહિલા અને તેમના દીકરી ગઈકાલે રાત્રે ઘરની છત ઉપર સૂતા હતા, જ્યારે બે દીકરા ઘરમાં નીચેના રૂમમાં સૂતા હતા. સવારે આ પરિવાર જાગતાં પોતાના ઘરમાં સરસામાન વેરવિખેર જણાયો હતો અને પોતાના મકાનમાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ મકાનમાં ઘૂસેલા નિશાચરોએ મકાનમાંથી બે મોબાઈલ, રોકડા રૂા. 650, એક બેગ, બૂટની જોડ એમ કુલ્લ રૂા. 11,050ની મતાની તસ્કરી કરી નાસી ગયા હતા. આ પરિવારજનોએ ચોરીમાં ગયેલા મોબાઈલ ઉપર ફોન કરતાં કોઈએ ઉપાડયો ન હતો જ્યારે બીજી વખત ફોન કટ કરી નાખ્યો હતો. પાડોશીના ઘરે લાગેલા સી.સી. ટી.વી. કેમેરાની તપાસ કરાતાં બે શખ્સો ફરિયાદીના ઘરની બારીના છજા ઉપર ચડી અંદર ઘૂસ્યા હતા અને ચોરી કરી પાછા એ જ રસ્તેથી ઊતરી નાસી ગયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer