હવે સેમિનારના બદલે વેબિનારનું ચલણ

ભુજ, તા 1 : કોરોનાને કારણે જારી લોકડાઉનની સ્થિતિ વચ્ચે શૈક્ષણિક સંસ્થાનો તેમજ અન્ય સંસ્થાનો હવે વિવિધ વિષયોને લઈ સેમિનારના બદલે વેબિનાર યોજવા તરફ વળ્યા છે. લોકડાઉનના કારણે લાંબો સમય સુધી લોકોની ઘરબંધી કરવા સાથે છુટકારો મળ્યા બાદ પણ વધુ લોકોની ભીડ એકત્રિત થાય તેવા સામાજિક મેળાવડાઓ પરની પાબંધીને યથાવત રાખવામાં આવી છે ત્યારે સેમિનારના બદલે વેબિનારનું આયોજન કરી લોકોને ઓનલાઈન માધ્યમથી જોડવાનું કાર્ય કરી રહ્યું છે. કચ્છ યુનિવર્સિટીની વાત કરીએ તો આ યુનિવર્સિટીએ વર્ચ્યુઅલ હવન કરી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. એ જ રીતે કોરોનાની મહામારીના કારણે જે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને આ મહામારી પશ્ચાત શું ભૂમિકા ભજવવાની રહેશે તે વિષય પર તજજ્ઞો સાથે ઓનલાઈન  સંવાદ કરવા માટે અલગ-અલગ વિભાગો દ્વારા વેબિનારના આયોજન કરવામાં આવ્યા છે. હજુ આગામી સમયમાં આ પ્રકારના વેબિનાર આયોજિત કરાતા રહેશે તેવું સત્તાવાર રીતે જણાવાયું છે. આ ઉપરાંત અન્ય સંસ્થાઓ કે જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિતનો સમાવેશ થાય છે તેમના દ્વારા પણ નિષ્ણાતો સાથે સંવાદ સાધવા માટે વેબિનાર આયોજિત કરવામાં આવી રહ્યા છે અને અન્ય સંસ્થાઓ આ માટે આયોજનો ઘડવા માટેના વિચારને અમલમાં મૂકવાની તજવીજને આગળ ધપાવી રહી છે. એક રીતે લોકડાઉનની આ સ્થિતિમાં વેબિનાર યોજવાના ટ્રેન્ડમાં વિવિધ સંસ્થા-સંગઠનો સક્રિયપણે જોડાઈ રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer