કચ્છની આરટીઓ કચેરી પણ થશે `અનલોક''

ભુજ, તા. 1 : કેન્દ્ર સરકારે કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા લોકડાઉનના ચાર તબક્કા બાદ પાંચમા તબક્કામાં અનલોક-1 શરૂ કરી સરકારી કચેરીઓ શરૂ કરતાં જ્યાં લોકોની સૌથી વધુ આવન-જાવન રહે છે તે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) પણ આગામી ચોથી જૂનથી સંપૂર્ણ કાર્યરત થવા જઈ રહી છે. જો કે આ માટે લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો પાળવાના રહેશે. આ ઉપરાંત લાયસન્સ માટેનો ટેસ્ટિંગ ટ્રેક પણ શનિ-રવિ સહિત સપ્તાહના તમામ દિવસોએ સાંજે 6.30 સુધી કાર્યરત રહેશે તેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત લર્નર લાયસન્સ માટે કન્ટેઈનમેન્ટ વિસ્તાર બહારની અને ક્વોરેન્ટાઈન સેન્ટર જાહેર ન કરાઈ હોય તેવી આઈટીઆઈ, પોલીટેકનિક ખાતે લાયસન્સ કામગીરી પણ શરૂ થઈ જશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા આજે જારી કરવામાં આવેલી સૂચના અનુસાર રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ અરજદારો તથા કર્મચારીઓએ કોવિડ-19ને ધ્યાને લેતાં અમુક ચોક્કસ નિયમોના પાલન સાથે આગામી 4 જૂનથી સંપૂર્ણ કાર્યરત કરવાની રહેશે. અરજદારને કચેરીના પ્રવેશદ્વારે જ અધિકારી દ્વારા તેને સંબંધિત શાખા, ટેબલ સહિતનું માર્ગદર્શન આપવાનું રહેશે જ્યારે અરજદારે હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગ બાદ જ અંદર પ્રવેશ કરવાનો રહેશે.  અરજદારોએ સામાજિક અંતરના નિયમનું પણ પાલન કરવાનું રહેશે. એપોઈન્ટમેન્ટના સમયથી 15 મિનિટ વહેલું આવવાનું રહેશે. કર્મચારીઓએ પણ માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ સાથે કામગીરી કરવાની રહેશે. એચએસઆરપી નંબર પ્લેટ માટે અરજદારોએ એપોઈન્ટમેન્ટ મેળવીને બપોરે 3 વાગ્યા બાદ આવવાનું રહેશે. ધસારાને પહોંચી વળવા અમદાવાદ સહિતની કેટલીક કચેરીઓ સાથે ભુજ આરટીઓમાં પણ શનિ અને રવિવારે પણ સવારે 9થી સાંજે 6.30 સુધી ટેસ્ટિંગ ટ્રેક ચાલુ થશે. 21 માર્ચથી 31 જુલાઈ દરમ્યાન જેમની લાયસન્સની મર્યાદા પૂર્ણ થઈ હોય કે થતી હોય તેઓ કોઈ પણ વધારાની ફી વિના 31 જુલાઈ સુધી ટેસ્ટ આપી શકશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન, આરટીઓમાં સામાન્ય અરજદારોને અત્યાર સુધી પ્રવેશ અપાતો ન હતો અને માત્ર ફેસલેસ કામગીરી જ ચાલુ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer