આદિપુરની હંગામી શાક માર્કેટમાં સુવિધાના અભાવની હાલાકી

આદિપુરની હંગામી શાક માર્કેટમાં સુવિધાના અભાવની હાલાકી
ગાંધીધામ, તા. 31 : કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકોમાં સામાજિક અંતરનું પાલન થાય તે માટે આદિપુર શહેરની મધ્યમાં આવેલી શાક માર્કેટને મુંદરા સર્કલ ખાતે લઈ જવાઈ છે, પરંતુ ત્યાં કોઈ સુવિધા ન હોવાના કારણે શાક વેચતા વેપારીઓ અને ખરીદવા આવતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદ દનીચાએ સુધરાઈ પ્રશાસનને આ હંગામી શાક માર્કેટમાં વિવિધ સુવિધાઓ ઊભી કરવા પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. હંગામી શાક માર્કેટમાં ત્રણસોથી વધુ કાછિયાઓ વેપાર કરી રહ્યા છે. હાલના સમયમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે ત્યારે ધોમધખતા તાપ અને ગરમીથી બચવા છાંયડાની વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે.આ સ્થળે કોઈ શેડની વ્યવસ્થા ન હોવાથી વેપારીઓની સાથે ગ્રાહકો પણ ગરમીમાં શેકાય છે. શાક માર્કેટની આસપાસ અનેક સોસાયટીઓ આવેલી છે. અહીં શાક ખરીદવા આવતા લોકો માટે શૌચાલય બનાવવા પત્રમાં અનુરોધ કરાયો છે. ગરમીના સમયમાં પીવાનાં પાણીની સુવિધા ઊભી કરવા, ખુલ્લી જગ્યા હોવાથી પશુઓ ન આવી જાય તે માટે હંગામી ફેન્સિંગ કરવા પણ ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી છે. શાક માર્કેટમાં આવવા-જવા માટેના જ બે દ્વાર રાખવા એ વધુ સલામતીભર્યું રહેશે. આવવા અને જવાના બન્ને સ્થળે સલામતી માટે સેનિટાઈઝ ટનલ રાખવા પત્રમાં અનુરોધ કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer