કચ્છ-ગુજરાત પર `હિકા''નો ખતરો

કચ્છ-ગુજરાત પર `હિકા''નો ખતરો
અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : એક બાજુ રાજ્યમાં કોરોનાનો કહેર પ્રવર્તી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત પર હિકા વાવાઝોડાંનું સંકટ ઊભું થયું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને તે દ. ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આ હિકા વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છને વધુ અસર કરશે તેવાં એંધાણ દેખાઈ રહ્યાં છે.  ગુજરાતમાં હિકા વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રાજ્યના ઓખા, દ્વારકા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. અલબત્ત, એક આગાહી એવી પણ છે કે ડીપ ડિપ્રેશન ઓમાન તરફ વધશે. હિકા વાવાઝોડું કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળીને રાજસ્થાન તરફ ફંટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અગાઉ આ હિકા વાવાઝોડું ઓમાનના અખાત તરફ ફંટાવાનું હતું, પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમ્યાન સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાવચેતીના ભાગ રૂપે દ્વારકાના ઓખા બંદર સહિત અમરેલીના જાફરાબાદ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દીધી છે. નોંધનીય બાબત એ છે કે, ગઈ કાલે એટલે કે 29મેના રાજ્યમાં વાવાઝોડા અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન લીધે રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું તો ગત રોજ વડોદરા અને તેની આસપાસ વિસ્તારમાં અને આજે અનેક તાલુકામાં વરસાદી છાંટા પડયા હતા. જો કે, હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે, તેમજ આવનારા 4 દિવસમાં વાતાવરણમાં પલટો રહેવાની આગાહી કરાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer