કંડલાના દરિયામાં તેજ પવનથી ઊંચાં મોજાં ઉછળતાં મુશ્કેલી

કંડલાના દરિયામાં તેજ પવનથી ઊંચાં મોજાં ઉછળતાં મુશ્કેલી
ગાંધીધામ, તા. 30 : ગુજરાતના દરિયામાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં તે દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે જ કંડલાના દરિયામાં તેજ પવનને લઈને ઊંચાં મોજાં ઉછળતાં મુશ્કેલી સર્જાઈ હતી.  દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સૂત્રોએ આપેલી માહિતી મુજબ પ્રીમોન્સૂન એક્ટિવિટી દરિયામાં ઉત્પન્ન થતાં દરિયો રફ થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વેગીલા પવનને કારણે ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે અને દરિયાનો ઘૂઘવાટ ભય ઊભો કરી રહ્યો છે. વર્ષ 1998ના 9મી જૂને ત્રાટકેલાં વિનાશક વાવાઝોડાંની વરસી નજીક આવી રહી છે ત્યારે જ ફરી ગુજરાતના કાંઠે વાવાઝોડું આકાર લઈ રહ્યું હોવાથી ગાંધીધામ સંકુલમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  અલબત્ત, ડીપીટી વેધશાળાના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી ખાસ જોખમી નથી અને પોર્ટ ઓપરેશન યથાવત છે. વાવાઝોડું હજુ રચાયું નહીં હોવાથી હાલ તેનાથી ભયભીત થવાની જરૂર નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer