આફ્રિકાના દાતાએ માતાની સ્મૃતિમાં `પ્રેમ સરોવર'' સર્જ્યું

આફ્રિકાના દાતાએ માતાની સ્મૃતિમાં `પ્રેમ સરોવર'' સર્જ્યું
વસંત પટેલ દ્વારા-  કેરા (તા. ભુજ), તા. 30 : પંદર ટ્રેક્ટર, 6 આઇવા ટ્રક, પાંચ જેસીબી મશિન, એક હિટાચી પ્રકારનું ચેઇન રોલર, 60 દિવસ, મહત્તમ ઉંડાઇની નહેર, ત્રણ કિ.મી.નું અંતર, ત્રણ જળાશય નવાં, ચારને લાભ સામત્રાની સાત પેઢી ન ભૂલે તેવું `સજળ' કામ 60 દિવસમાં પૂર્ણ થઇ ગયું છે એ પણ સ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં  સર્જાયું `પ્રેમ સરોવર'. હા, વાત છે મૂળ સામત્રાના  આફ્રિકા સ્થિત મીઠાં ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર કે. કે. પટેલની અનોખી સખાવતની. ખાવા અન્નના સાંસા હતા. માતાએ કહ્યું, મોટાં કામ કર, દીકરા આપણને  ગરીબી નથી જોઇતી. દીકરાએ  ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થવાના કપરાં સ્વપ્ન સાકાર કર્યા. સાત દેશો જેનું લુણ (મીઠું) ખાય છે એવા કાનજીભાઇ વરસાણી કે.કે.એ પાણી બતાવ્યું. સફળ થયા. માદરે વતનને ન ભૂલ્યા.  પૈતૃક ગામ સામત્રાને  પાણી આપ્યું. કોરોનાના ડંખથી આખું વિશ્વ જ્યારે તપ્ત હતું ત્યારે સામત્રાની દક્ષિણે માટીભર્યા ડુંગરોમાં એક કલાત્મક નહેર તૈયાર થઇ રહી હતી. દાતા 40થી 44 ડિગ્રી ગરમીમાં જાતે કામ કરાવે તે જોવું હોય તો સામત્રા જવું પડે, કામ જાતે જોવું પડે, કચ્છી રાજવીએ ઉમરાસર બંધાવ્યું. સરકારી 7/12માં 17 એકરનું આ જળાશય છે. તો અડીને આવેલું 30 એકરનું વામાસર છે. હરિભકતોએ પ્રસાદીરૂપ શ્રીહરિ તળાવ 20 એકરનું બંધાવ્યું. પણ ગામને અફસોસ એ વાતનો રહેતો કે થોડા વરસાદે તળાવ ઓગનતું નહીં, તળાવ ન ઓગને, ગામનું  ચોમાસું લીલોતરી વગરનું... બે વર્ષ પહેલાં દાતા કે.કે.ના માતાનું અવસાન થયું. ખબરઅંતર પૂછવા ગામના પૂર્વ સરપંચ અને હાલના ઉપસરપંચ જાદવજી વરસાણીએ ફોન લગાવ્યો અને કહ્યું, કાનજીભાઇ માતાની વિદાયની ઘટના દુ:ખદ છે પણ ગામને દા'ડો જમાડો, કે.કે.એ  કહ્યું મૃત્યુ પછી દહાડાની પ્રથા બંધ કરો, મારા હૃદયમાં ભાવના છે કે મારી માતા જે ધરતી પર દૂર સુદૂરથી પાણી ભરતાં રહ્યાં તે ધરતીને પાણીથી તરબતર કરીએ, ગામમાં  જળસંચયના કામ હોય તો ચીંધજો. જાદવજીભાઇએ કહ્યું, કાનજીભાઇ હું પણ એ જ દહાડાની વાત કરતો હતો. આ વાતચીત નિમિત્ત બની, ગત માર્ચમાં કે.કે. પટેલ કચ્છ આવ્યા. લોકડાઉન જાહેર થયું. જંગલમાં સોશ્યલ અંતર અને સરકારી નિયમોનું પાલન સહજ હતું. ચાડવા રખાલ ગાજી, ગૂંજી અને તૈયાર થઇ ત્રણ કિ.મી. લાંબી નહેર જેમાં  600 મીટર પાકી બનશે. અગાઉ પણ ગામના દાતાઓએ થોડી નહેર બનાવી હતી. ગામના ભાઇ જેવા આ તળાવો, તોતિંગ વડતરુઓ અને વિકસિત પ્રસાદી સ્થળ?હવે બારેમાસ થોડા વરસાદથી છલકશે. કુદરતી રચના જ એવી છે. વામાસર સફેદ  સાગ માટીના કૂવા છે. સહેજે લાખો મેટ્રીક પાણી ઉતારી લે છે. સીમમાં વ્યર્થ જતું પાણી હવે અહીંથી રિચાર્જ થશે. ખેતીવાડી તથા પીવાનાં તળ ઊંચા આવશે. એક કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે. કામ પણ સજ્જડ થયું છે. આટલા ખર્ચે આટલું મોટું કામ સરકારી વ્યાખ્યામાં કલ્પના પણ ન થઇ શકે. આ તો દાયકાઓના સિવિલ કામનો ખુદ દાતાને અનુભવ એટલે કામ થયું. કચ્છમિત્રે સ્થળ પર મુલાકાત લીધી, જળસંચય પ્રેમીઓને એકવાર અચૂક મુલાકાત લઇ કંઇક શીખવાના અનુરોધ સાથે એક પુત્રના  માતૃવાત્સલ્યના પ્રતીક સમું આ `પ્રેમ સરોવર' જળ સજળ છલકાય એવી આગોતરી શુભકામનાઓ. મીં પાણી વઠા ! તળાવ-નહેર ખાણેત્રામાં ગામના યુવાનો, વડીલો સૌએ સાથ આપ્યો છે. કચ્છી રાજવીએ ઉદારતા બતાવી છે એટલે આ કામ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજમાં  નિર્માણાધિન કચ્છની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના નામકરણ દાતા એટલે માતૃ વાત્સલ્ય માટે માતબર કામ કરાવનાર કાનજી કુંવરજી વરસાણી જ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer