બંદરિય જોડાણવાળા બે સેઝ કચ્છનું સબળ પરિબળ

બંદરિય જોડાણવાળા બે સેઝ કચ્છનું સબળ પરિબળ
દિવ્યેશ વૈદ્ય દ્વારા-  ભુજ, તા. 30 : કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ ન માત્ર આર્થિક, સામાજિક પરિબળો બદલી નાખ્યા છે બલ્કે, લોકોની વિચારધારા પલટી નાખી છે અને ગીચ વસતીવાળા મહાનગરોને બદલે ખુલ્લા અને નાના નગર કે ગામડાં તરફનું ખેંચાણ વધાર્યું છે. આ આફતે કચ્છ જેવા માળખાકીય સુવિધાથી સજ્જ, શાંત, સુરક્ષિત સ્થાને મોટી તક ઊભી કરી છે. વળી, આ એવો વિશિષ્ટ પ્રદેશ છે જેના વતનીઓ માત્ર મુંબઈ કે ભારતના અનેક રાજ્યો નહીં પણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, મધ્ય-પૂર્વ દેશોમાં પણ મોટા કારોબાર ધરાવે છે. આ સંજોગોમાં વતનવાપસીનો અને `હલો કચ્છ'નો માહોલ બન્યો છે, ત્યારે કચ્છમાં અગાઉથી ઊભી થઈ ચૂકેલી બે સુસજ્જ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ)ની સુવિધાઓ તથા નવી જીઆઈડીસી મહત્ત્વની બની શકે છે તેવો ઉદ્યોગ જગતના જાણકારોમાંથી સૂર ઊઠયો છે. કંડલા અને મુંદરાના સેઝ તો તેના બંદરીય જોડાણને કારણે વિશ્વ વિખ્યાત છે જ, પરંતુ હવે એ સમય આવ્યો છે કે જ્યારે કચ્છમાં વર્તમાન જીઆઈડીસીઓની સમસ્યાઓ દૂર થાય અને નવી મંજૂર થયેલી જીઆઈડીસીની પ્રક્રિયામાં ઝડપ આવે એટલું જ નહીં, કોવિડ-19 પછીના સમયમાં ખાનગી પાર્કની માગણીઓ ત્વરિત સંતોષાવા ઉપરાંત ઉદ્યોગોના પ્રકાર પ્રમાણે વધુને વધુ ઝોનવાઈઝ જીઆઈડીસીઓ મંજૂર કરવામાં આવે, તો જ નવા રોકાણકારોને સંકટના આ સમયમાં વાજબી દરે આકર્ષવામાં આવી શકશે. તાજેતરના હેવાલો મુજબ, માત્ર મુંબઈ જ નહીં, આ મહામારીથી બદલાયેલી વિચારધારાથી યુરોપીય અને આફ્રિકા દેશમાંથી પણ વતન ભણી ઝુકાવ વધ્યો છે અને અહીં કાયમી વેપાર-ધંધા વિકસાવવાનું મન બનાવવા સાથે તૈયારી થઈ રહી છે. આ સંજોગોમાં તકો  જાણવાના પ્રયાસમાં, વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (કાસેઝ)નો સંપર્ક કરતાં તેના સત્તાવાર સૂત્રોનું કહેવું હતું કે, 1965માં સ્થાપિત દેશનું પહેલું આ ફ્રી ટ્રેડ ઝોન બે બંદરની નજીક છે. કંડલા પોર્ટથી માત્ર 9 કિ.મી.ના અંતરે આવેલા આ ઝોનમાં ગત વર્ષ માર્ચના આંકડા મુજબ 255 એકમો સફળતાપૂર્વક કાર્યરત છે.સરકારી સેઝ હોવાથી  કરમુક્તિના લાભો તો છે જ વધુમાં માર્ગ, પાણી, વીજળી દેખીતી રીતે ઉપલબ્ધ છે જ. બીજા ખાસ નોંધપાત્ર પરિબળો એ છે કે, ખાનગી ઝોન કરતાં ભાડું ઓછું અને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચાધિકારીની હાજરીથી પ્રશ્નોનું સમાધાન થાય છે. નજીકના ગાંધીધામ શહેરમાં અત્યાધુનિક હોટલો, જીમ, સ્પોર્ટસ, ગુણવતાયુવકત શાળાઓ હોવાથી રોકાણ માટે મહત્વનો વિકલ્પ બની શક છે.દરમ્યાન, ખાનગી જૂથ દ્વારા બંદરની સાથે મુંદરામાં નિર્માણ પામેલા સેઝના સૂત્રોએ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ મળેલી વિગતો મુજબ આ સેઝમાં વિશ્વ સ્તરની સંકલિત માળખાકીય સુવિધાઓ છે જે ભારત જ નહીં, વિશ્વભરનાં રોકાણકારોને આકર્ષી શકે છે. 15946 એકરમાં પથરાયેલા દેશના સૌથી મોટા મલ્ટી પ્રોડક્ટ આ પોર્ટ આધારિત સેઝનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે તેમજ બાજુમાં એરસ્ટ્રીપથી જોડાણ છે. મલ્ટિપર્પઝ બર્થ, કન્ટેઇન્ટર કોલ, ઓટો મોબાઇલ, ફૂડ માટે એસપીએમ એમ દરેક ક્ષેત્રનાં પરિવહન માટે ઉપયોગી બંદર આંતરિક રીતે જોડાયેલું છે. આ સેઝની ખાસિયત એ છે કે તેના લોજિસ્ટિક પાર્ક, ફૂડ, ઇન્જિનીયરિંગ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, કેમિકલ, ફ્રી ટ્રેડ વેરહાઉસ, રિફાઈનરી, સીએફએસ, ઓટોમોબાઇલ એમ વૈવિધ્યસ્તરે અલગ અલગ કલસ્ટર આધારિત પ્લોટ પાડેલા છે. સિંગલ વિન્ડો કલીયરન્સ અને નિયંત્રણો પણ મર્યાદિત હોય છે. આ ક્ષેત્રનાં જાણકારો કહે છે કે, અન્ય સેઝ કરતાં મુંદરા સામાજિક માળખામાં અલગ પડે છે કે, ઝોન વિસ્તારમાં જ સારી શાળા, હોસ્પિટલ, રહેણાંક વિસ્તાર, જીમ, રેસ્ટોરન્ટ, રિક્રિએશન સુવિધાઓ સાંકળી લેવામા આવી છે જે કચ્છમાં રોકાણકારોને આકર્ષવા મજબૂત વિકલ્પ ઊભો કરી શકે છે. નિકાસ માટે સેઝ ઉત્તમ `જો નિકાસલક્ષી ઉત્પાદન હોય તો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન એ સારો વિકલ્પ બની શકે છે, એવું માનવું છે ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના એમ.ડી. નિમિષ ફડકેનું. તેમણે કહ્યું કે, કચ્છમાં વધુ રોકાણકારો આવવાની શક્યતા વચ્ચે પાર્ક ઊભા કરવા જ પડે એમ છે. નવી નીતિ અંતર્ગત કોઈ પણ ખાનગી સાહસિક તે ઊભું કરી શકે છે કારણ કે, જીઆઈડીસીમાં કયાંય પ્લોટ નથી. નવી જીઆઈડીસીઓ માટે સંગઠન દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆતો કરી છે. એમએસએમઈ પ્રકારના ઉદ્યોગો માટે જગ્યાની કચ્છમાં મુશ્કેલી છે. નવા સેઝ કાયદા પછી સેઝમાં કરવેરાના ઘણા લાભો છે. કંડલા વિકલ્પ છે, પરંતુ વધુ આધુનિક અને માળખાકીય સુવિધાની દૃષ્ટિએ મુંદરા સેઝ પણ સારો વિકલ્પ બની શકે. કારીગરોની ઉપલ્બધી મહત્ત્વનું `ટેક્સટાઈલ્સ ઉદ્યોગમાં કચ્છમાં રોકાણ માટે ગાંધીધામ વિસ્તાર એ શ્રેષ્ઠ છે, કારણ કે અહીં તૈયાર તાલીમબદ્ધ કારીગરો મળી શકે છે અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે કારીગરો એ બહુ મહત્ત્વનું પરિબળ છે' એમ આ ક્ષેત્ર સાથે 40 વર્ષથી સંકળાયેલા અને કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ પારસ જૈનનું કહેવું છે. હવેના સમયમાં કચ્છમાં ગારમેન્ટ ક્ષેત્રની ઘણી તકો છે. ભૂતકાળમાં પણ ઝોનમાં બસ્સો બસો ચાલતી એટલી રોજગારી હતી. કંડલા ઝોનમાં વાજબી ભાડું પણ પ્લોટોની મુશ્કેલી છે, પરંતુ થોડી તકો ઉપલબ્ધ પણ છે, નહીં તો ગાંધીધામ આસપાસ ખાનગી જમીનોમાં પણ ગારમેન્ટ બિઝનેશ થઈ શકે છે, તેનું મુખ્યકારણ અનુભવી લેબર મળી જાય એમ છે. આ સંદર્ભે કોઈ પણ કચ્છીને વતનમાં માર્ગદર્શનરૂપ બનવાની પણ તેમણે તૈયારી દર્શાવી હતી. 
    ચિત્રોડ - મોટી ચીરઈને જીઆઈડીસી જમીન તબદીલ; માપણી બાકી  સેઝની જેમ માળખાકીય સુવિધાઓમાં ગુજરાત સરકારની જીઆઈડીસી હસ્તકની ઔદ્યોગિક વસાહત પણ નવા રોકાણકારો માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. કચ્છમાં દસ જેટલી જીઆઈડીસી છે અને વધુને વધુ વસાહતોની લાંબા સમયથી માગણી ઊભેલી છે. દરમ્યાન, કચ્છની બે નવી જીઆઈડીસીની ભચાઉ તાલુકાના મોટી ચીરઈ અને અંજાર તાલુકામાં?ચિત્રોડને મંજૂરી મળેલી જ છે. આ બન્ને તાલુકાના અનેક વતનીઓ મુંબઈમાં વસતા હોવાથી ભવિષ્યમાં એ પણ એક વિકલ્પ તરીકે ઊભરી શકે છે. જો કે પૂર્ણ જીઆઈડીસી વિકસતા સમય લાગશે. દરમ્યાન આ સંદર્ભે જીઆઈડીસીના પ્રાદેશિક મેનેજર પંકજ આચાર્યનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભુજ નજીક બે, ગાંધીધામ નજીક બે, અંજાર, નખત્રાણા, માંડવી સહિત દસ જીઆઈડીસી કચ્છમાં છે, જેમાં વીજળીની પૂરતી સુવિધાઓ છે. રસ્તા જોડાણ છે. પાણીની સુવિધા છે, પરંતુ કેટલીક જગ્યાએ પાણીની મુશ્કેલી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. મોટી ચીરઈ અને ચિત્રોડમાં નવી જીઆઈડીસીની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં પ્રગતિ છે. જમીન તબદીલ થઈ ગઈ છે, પરંતુ ક્યાંક વનખાતાની જમીન આવતી હોવાથી ડીએલઆરની માપણીનું કાર્ય બાકી છે. શું વર્તમાન જીઆઈડીસીમાં કોઈ એકમ સ્થાપવા માગે તો   પ્લોટ ઉપલબ્ધ છે તેવા સવાલ પર તેમણે કહ્યું કે, હાલમાં કોઈ ખાલી નથી પરંતુ બધું લીઝ પર છે, વર્તમાન ધારક પાસેથી લીઝ તબદીલ થઈ શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer